Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ખંભાતના તળાતળાવ ગામમાં ૮ વર્ષના બાળકનું શંકાસ્પદ કોંગો ફિવરમાં મોત બાદ આરોગ્ય વિભાગ દ્વારા ઘરે - ઘરે સર્વે કામગીરી

ખંભાત :.. જિલ્લાના ખંભાત તાલુકાના તળાતળાવ ગામના ૮ વર્ષના બાળકનું શંકાસ્પદ કોંગો ફિવરમાં ગોત્રી હોસ્પિટલમાં શનિવારે સવારે મોત નિપજયું હતું. જેની જાણ આણંદ જિલ્લાના વહીવટી તંત્રને થતાં કોંગો ફિવરને અટકાવવા માટે આરોગ્ય વિભાગ અને પશુ વિભાગની ટીમ ગામમાં  ઉતારી દેવાઇ હતી. ઘેર ઘેર સરવેની કામગીરી હાથ ધરીને બિમાર વ્યકિતઓના સેમ્પલ લઇને ટેસ્ટ માટે મોકલી આપ્યા હતાં.

ખંભાત તાલુકાના તળાતળાવ ગામે રહેતા નરેન્દ્ર (ઉ.૮)નું વડોદર ગોત્રી સરકારી હોસ્પિટલમાં શનિવારે મોત નિપજયું હતું. જો કે તેને છેલ્લા ૧૦ દિવસથી તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં દવા ચાલુ હતું. પરંતુ શુક્રવારે તેની તબીયત વધુ લથડતા તેને વડોદરાની ગોત્રી સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં ડોકટરો દ્વારા ડેન્ગ્યુ સહિતના તમામ રીપોર્ટ કરાવ્યા હતાં. તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. બાળકના સામાન્ય કરતાં પ્લેટલેટની સંખ્યા પણ ઘટી ગઇ હતી. જેથી ડોકટરોએ કોંગોની સંભાવના વ્યકત કરી હતી. તેના લોહીના નમુના લઇને પુના લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત નિપજયું હતું. તળાતળાવ ગામના ધીરૂભાઇ ચૌહાણને ર દીકરા હતાં. જેમાં નાનો દીકરો નરેન્દ્ર ૧૦ દિવસથી બિમાર હતો. તો ખાનગી દવાખાનામાં સારવાર કરાવી હતી. શંકાસ્પદ કોંગો બાળકનું મોત નિપજયું હતું. શંકાસ્પદ કોંગો ફિવરનો ભોગ બનેલા પરિવારના ૧૩ સભ્યોની તપાસ  કરીને તેઓના નમુના લેવાયા હતાં. જેમાં ૩ વ્યકિતઓને સામાન્ય તાવ હતો.

 બાકીના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જયારે ગામમાં પણ ઘેર ઘેર સરવે કરીને જરૂરી દવાઓનું વિતરણ કરાયું છે. તેમજ કોંગો ફિવરની જાણકારી માટે ઘેર ઘેર પત્રિકા વિતરણ કરાશે. ડો. આર.બી.પટેલ, આરોગ્ય અધિકારી આણંદ કોંગો ફિવર પશુઓ દ્વારા ફેલાય છે. પશુઓને ઇતરડી કરડે ત્યારબાદ તે ઇતરડીકથીરી મનુષ્યને ડંખ મારે તો તે રોગ મનુષ્યમાં પ્રવેશે છે. આ ચેપી રોગ છે. સોૈ પ્રથમ પશુઓમાંથી રોગ ના ફેલાય તે માટે ગામના ૪૫૦ જેટલા પશુઓને વેકશીન અપાઇ હતી. તેમજ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને બિમાર પશુ કે મૃત્યુ સમયે સંપર્ક આવવાનું થાય તો જરૂરી પર્સનલ પ્રોટેકટીવનો ઉપયોગ કરવો જોઇએ. બિમાર પશુઓના કાચુ દુધ ઉકાળ્યા વિના પીવું નહીં, પશુઓ બિમાર હોય તો પશુપાલન વિભાગને જાણ કરવા જણાવ્યું હતું. ડો.સ્નેહલ જે. પટેલ, નાયબ પશુપાલન નિયામક આણંદ કોંગો ફિવરનો ભોગ બનનાર વ્યકિતમાં ચિન્હો જેવા કે, વધુ પડતો તાવ આવવો, શરીરનો દુઃખાવો, શરીર ઉપર લાલ ચાઠાં પડાવા, સાંધાનો દુખાવો, ઉલટી, ઝાડા વગેરે જણાય તો યોગ્ય ડોકરટની સારવાર લેવી જોઇએ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ઇતરડીનું પ્રમાણ વધુ હોય છે. તેનો નાસ કરવા માટે એકસીસાઇડ દવાઓનો છટકાંવ કરવો જોઇએ.

(5:02 pm IST)