Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પ્રાકૃતિક ખેતીનું જન આંદોલન : તાતી જરૂરીયાત : સહુ સહભાગી બને : અભય રાવલ

રાજકોટ : કૃષિક્ષેત્રે દિવસે ને દિવસે વધુ પડતા રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઈડ્ઝ ના કારણે કૃષિ સંબંધી સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે તો બીજી તરફ કિસાન ચારે તરફથી દેવાના બોજ માં ફસાઇને નુકસાનીની અથવા તો આર્થિક સંકટની ગર્તામાં ધકેલાતો જાય છે. કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના કારણે રોજગારી મેળવવા યુવાનો શહેરો તરફ ધકેલાતા જતા હોવાથી ગામડા ભાંગતા જાય છે અને શહેરીકરણની સમસ્યા પણ વિકટ બની છે. આ પરિસ્થિતિનો સુંદર અસરકારક અને પરિણામ લક્ષી ઉપાય માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી જ છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અસંખ્ય ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી ના આધારે સમૃદ્ઘિની દિશા તો ચીંધી છે  પરંતુ રાસાયણિક ખાતર ના કારણે આરોગ્ય પર પડતી વિપરીત અસરોથી બચવાની દિશા પણ ચીંધી છે. પદ્મશ્રી ડોકટર સુભાષ પાલેકર અને તેમનામાંથી પ્રેરણા લઈને આપણા રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી એ પણ પ્રાકૃતિક ખેતીનું એક મિશન હાથ પર લઈને સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી માટે જુવાળ સજર્યો છે હવે તેમાં આપણું ગુજરાત પણ ઉમેરાયું છે. અકિલા આગામી દિવસોમાં પ્રાકૃતિક ખેતીને કેન્દ્રમાં રાખીને થતા પ્રયાસો, તેના સુંદર પરિણામો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સાફલ્યગાથાઓ આધારિત શૃંખલા પ્રકાશિત કરવા જઈ રહ્યું છે. માહિતી ખાતાના નિવૃત્ત્। નાયબ માહિતી નિયામક અને કૃષિ તથા જળ સંશોધન ક્ષેત્રે જેમણે ખૂબ જ અભ્યાસ કર્યો છે તેવા શ્રી અભય રાવલના હસ્તે આલેખન થયું છે. આશા છે કે અકિલાના લાખો વાચક ભાઈ-બહેનો, વડીલો પ્રાકૃતિક ખેતી પર આધારિત આ શૃંખલારૂપી અમૂલ્ય વિગતો, સમાચારોને આવકારશે જ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પણ તેમાંથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતીના જન આંદોલનમાં સહભાગી બનશે.( આલેખન :: અભય રાવલ મો. ૦૯૮૨૫૪ ૪૫૧૩૦ અને email: abhayraval502@gmail.com)

(1:10 pm IST)