Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સમગ્ર દેશમાં ૫૦ લાખ કિસાનો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે : સુભાષ પાલેકરજી

કૃષિ ક્ષેત્રની સમસ્યા અને પર્યાવરણના પ્રશ્નોનો એક માત્ર જવાબ પ્રાકૃતિક ખેતી : ગાંધીનગર ખાતે યોજાયેલ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં કૃષિ સંબંધી તમામ પ્રશ્નોના ઉત્તરો મળ્યા

રાજકોટ : વિધિની વક્રતા તો જૂઓ ? જે દેશની ઓળખ ખેતીપ્રધાન દેશ તરીકેની હોય તે દેશમાં ખેતીને પોષણક્ષમ કેવી રીતે બનાવવી, તે આજનો ખેતીને સ્પર્શતો મુખ્ય પ્રશ્ન છે. રાજય કે દેશના ખેડૂતોની મુખ્ય સમસ્યાના કેન્દબિંદુમાં મુખ્ય પ્રશ્ન ખેતીને પોષણક્ષમ કેવી રીતે બનાવવી તે જ છે. વાસ્તવિકતા તો એ છે કે, ખેતી પોષણક્ષમ હતી ને હતી જ અને આજે પણ છે જ. પરંતુ તે માટેના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો આજે સદંતર અભાવ છે અને તેમાંથી જ સર્જાઈ છે પોષણક્ષમ ખેતીની સમસ્યા. પરંતુ સદનસીબીની વાત એ પણ છે કે, જયારે કોઈપણ સમસ્યા જન્મે ત્યારે તે સમસ્યાના ઉકેલની દિશા પણ ચિંધાતી જ હોય છે. હવે સવાલ છે માત્ર સમજણપૂર્વક તે દિશામાં આગળ વધવાનો.

કૃષિ ક્ષેત્રે જે તે સમયે દેશમાં હરિત ક્રાંતિના મંડાણ થયા અને દેશમાં ત્યારે સર્જાયેલી ખાદ્યાન્ન કટોકટીની વિકટ પરિસ્થિતિને ટાળવા તત્કાલીન શાસનકર્તાઓ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જે કંઈ પ્રયાસો હાથ ધરાયા તે તે સમયની માંગ હતી. પરંતુ જેમ જેમ સમય કરવટ બદલતો જાય તેમ તેમ સમયને અનુરૂપ જે તે ક્ષેત્રમાં પરિવર્તન એ સમયની માંગ હોય છે. એટલે જ આજે  ૬૦ વર્ષ પછી કૃષિ ક્ષેત્રે જયારે પોષણક્ષમ ખેતીનો પ્રશ્ન વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બેઠો હોય ત્યારે આ પ્રશ્નનો ઉકેલ હાથવગો અને ઘરઆંગણે જ હોય ત્યારે વિચારવાનું શું ?

કૃષિ ક્ષેત્રે જેમણે આધ્યાત્મિક ખેતીના દર્શન દ્વારા કુદરતી ખેતીના વ્યવહારૂ પ્રયોગોથી સમગ્ર દેશમાં આગવી પ્રતિષ્ઠા હાંસલ કરી છે તેવા પદ્મશ્રી વિજેતા ર્ડા. શ્રી સુભાષ પાલેકર અને આપણા રાજયના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રને કેવી રીતે સમૃદ્ધ બનાવવી, ખેડૂતો માટે કઈ રીતે ખેતી માત્ર પોષણક્ષમ જ નહીં પરંતુ ડબલથી પણ વધુ આવકનો સ્ત્રોત બની શકે તેની અનુભવસિદ્ધ દિશા દેશના હજ્જારો કિસાનોને ચિંધી છે. આજે દેશમાં સુભાષ પાલેકર પ્રેરિત આધ્યાત્મિક ખેતી જેને આપણે કુદરતી ખેતી પણ કહી શકીશું તેવી ખેતી કરતા અસંખ્ય કિસાનો છે અને ગુજરાતમાં પણ છે. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જયારે તેઓ હિમાચલ પ્રદેશના રાજયપાલ હતા ત્યાં તેમણે પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગ દ્વારા હિમાચલ પ્રદેશના સેંકડો કિસાનોને પ્રાકૃતિક ખેતીની દિશા ચિંધી હતી. તે પદ્ધતિથી આજે પણ હિમાચલ પ્રદેશમાં ખેતી થઈ રહી છે. તેઓએ પોતાના રાજય હરિયાણાના ફુરૂક્ષેત્ર ખાતે પણ તેમની ૨૦૦ એકર જમીનમાં ર્ડા. સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીમાંથી પ્રેરણા લઈને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગો કર્યા છે. એટલે જ દેવવ્રતજી કહે છે કોઈ એક સમયે કૃષિ વૈજ્ઞાનિકોએ દેશના લોકોને ભૂખમરાની સમસ્યામાંથી બચાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી હવેનો સમય છે દેશની જનતાને સ્વસ્થ તંદુરસ્તી બક્ષવાનો. આ કામ કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો જ કરી શકશે જે દેશના ભાગ્ય વિધાતા છે.

કંઈક આવા જ ઉમદા વિચાર સાથે ૪-૯-૨૦૧૯ના રોજ સુભાષ પાલેકરજીની વિશેષ ઉપસ્થિતિ, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજય સરકારના મંત્રીશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ, સાંસદો અને કૃષિ ક્ષેત્રે સંકળાયેલ રાજયના ખેડૂતો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ર્ડા.સુભાષ પાલેકર પ્રાકૃતિક કાર્યશાળા, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ.

આ કાર્યશાળામાં ઉપસ્થિત સમુદાયને સંબોધતા સુભાષ પાલેકરજીએ જણાવ્યુ હતું, હરિયાળી ક્રાંતિ દેશમાં એક સમયની માંગ હતી ત્યારે પેટ ભરવા અનાજની દેશમાં કમી હતી ત્યારે અન્ન ઉત્પાદન ક્ષેત્રે દેશ સ્વાવલંબી બને તે સમયની જરૂરિયાત હતી. પરંતુ હરિયાળી ક્રાંતિના મંડાણ બાદ આજે કૃષિ ક્ષેત્રે જે સમસ્યા જન્મી છે તેનો ઉકેલ પણ આપણે સમયની માંગ પ્રમાણે શોધવો જ પડશે. કૃષિ ક્ષેત્રે આજે અનેક બાબતોમાં આપણે સ્વાવલંબી નથી એ વાસ્તવિકતા છે. જે તે સમયે હરિયાળી ક્રાંતિ દ્વારા કૃષિ ઉત્પાદન પ્રારંભિક તબકકામાં વધેલુ તે આજે કમશઃ ઘટતું જાય છે. આજની દેશની જનસંખ્યા ૧૩૦ કરોડની છે. ૨૦૩૦માં તે વધીને ૧૫૦ કરોડે પહોંચશે. આજે વાર્ષિક ૨૯ કરોડ મેટ્રીક ટન ઉત્પાદન છે જે ૨૦૩૦માં ૧૪૦ કરોડ મેટ્રીક ટનની જરૂરિયાતે પહોંચશે. આ ઉત્પાદન મેળવવા આજની કૃષિ પદ્ધતિ કેટલી ઉપયોગી છે તે મહત્ત્વનો સવાલ છે. વધુ ઉત્પાદન અને બેવડી આવક રાસાયણિક ખેતીથી શકય જ નથી તે વાસ્તવિકતા સ્વીકારવાનો સમય આજે આવી ગયો છે.

આપણા વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦રરમાં ખેડૂતની આવક બમણી કરવા માટે જે સંકલ્પ કર્યો છે તે સંકલ્પને સાકાર કરવા વૈકલ્પિક પદ્ધતિ એટલે કે પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધ્યા વિના કોઈ વિકલ્પ નથી. આ પ્રકારની પ્રાકૃતિક ખેતી દ્વારા જ ખેતીના ખર્ચને ઘટાડી શકાય છે અને જો ખર્ચ ઘટશે તો તેની સાથે સાથે પ્રાકૃતિક ખેતીના વિજ્ઞાનની મદદથી ખેતઉત્પાદન પણ વધશે અને તેની ગુણવત્ત્।ા પણ વધશે અને માંગ વધવાથી ખેડૂતની આવક પણ બમણી થશે. ખેતી ખર્ચ ઘટાડવાની બીજી કોઈ ટેકનોલોજી છે નહીં. એટલે આંતર્મુખી બની આ દિશામાં આપણે ગંભીરતાપૂર્વક વિચારવુ પડશે. રાસાયણિક ખેતીના કારણે જમીન અને વાયુમંડળ બરબાદ થઈ રહયાં છે. એક દિવસમાં ૨૧ ઈચ વરસાદ ! વારંવાર આંતિવૃષ્ટિ ધસમસતા પૂરથી ખેતીની બરબાદી.

આવુ પહેલાં કયારેય આપણે જોયું નહોતું. અતિવૃષ્ટિના કારણે ૧૨ ફૂટની શેરડીની ઉભી મોલાતમાં ૧૦-૧૦ ફૂટ પાણી ભરેલા હોય તેવા દૃશ્યો ગ્લોબલ વોર્મિંગના કારણે સર્જાયેલી અતિવૃષ્ટિના પરિણામે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આપણે જોયા છે. તો બીજી તરફ આ જ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પદ્રતિ દ્વારા શેરડીની ૧૦ ફૂટની મોલાત સુરક્ષિત રહી હોવાનો સ્વાનુભવ છે.

સુભાષ પાલેકરજીએ આ કાર્યશાળામાં જે વકતત્વ આપેલું તેનો સારાંશ એ જ છે કે હવે રાસાયણિક પધ્ધતિથી મુકત બનીને ગાય આધારિત કુદરતી ખેતીમાં આગળ વધવું જ પડશે. સમસ્યાનું સમાધાન કરવું પડશે. રાસાયણિક ખેતી દ્વારા કાર્બન ડાયોકસાઇડ, મીથેન જેવા ઝેરીલા વાયુને કારણે સર્જાતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો ઉકેલ હવે પ્રાકૃતિક ખેતી દ્વારા લાવવો પડશે. આ પ્રકારની ખેતી દ્વારા ઓછામાં ઓછા ખર્ચેગુણવત્તાયૂકત, મહત્તમ કૃષિ ઉત્પાદન સાથે ખેડૂતોની આવક વધારવી પડશે અને આ પ્રાકૃતિક ખેતી દ્વારા જ શકય છે. પ્રાકૃતિક ખેતીમાં કોઈ ખર્ચ જ નથી અથવા તો નહીવત ખર્ચ છે. તો ખેડૂતને બહારથી ઋણ (લોન/નાણાં) લેવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત રહેતો નથી. જો ખેડૂત કયાંયથી ખેડૂત ખેતી માટે લોન લેવાનો ન હોય તો તેને ખેતી માટે દેવુ થવાનું નથી. જો દેવુ થવાનું જ ન હોય, એટલું જ નહીં ઉલ્ટુ કુદરતી ખેતી દ્વારા ખેતીની આવક વધવાની હોય તો પછી સમસ્યા જ કયાં રહી ? આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના કારણે ખેડૂત કયારેય અઘટિત કાર્ય (આત્મહત્યા) નહીં કરે. કુદરતી ખેતીની પ્રક્રિયામાં ખેડૂત કયારેય દેવાદાર બનવાનો જ નથી. આજે ખેડૂત ખેતી પોષણક્ષમ નહીં હોવાના કારણે દિવસે ને દિવસે ખેતીથી દૂર ભાગતો જાય છે. ખેડૂતના દિકરાને કોઈ દિકરી આપતું નથી. આ કેટલી મોટી વિકરાળ અને ગંભીર સમસ્યા છે ? જો ખેડૂતનો દિકરો ખેતી નહીં કરે તો ખેતી કરશે કોણ ? સમાજ ટકશે કેવી રીતે ? ગામડાથી શહેરો તરફથી દોટ અને વકરતી જતી શહેરીકરણની સમસ્યા કે જે અન્ય સમસ્યાઓ પણ જન્માવે છે તેનો ઉકેલ આવશે કેવી રીતે ?

આ તમામ સમસ્યાઓનો જવાબ સુભાષ પાલેકર-પ્રાકૃતિક ખેતીમાં રહેલો છે. જે ખેડૂત પાસે ૧ એકર જમીન છે તે પણ આ પધ્ધતિ દ્વારા વર્ષે ૩ થી ૬લાખ રૂપિયાની ખેતી કરી શકે. મહિને સહેલાઈથી રૂ.૨૫૦૦૦ થી૫૦,૦૦૦ રૂપિયાની આવક થઈ શકે. આવી સાનુકૂળ સ્થિતિમાં કોણ દિકરી ન આપે?

ડો.સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનું એક પ્રાકૃતિક વિજ્ઞાન છે તેમાં બહારથી કોઈ જ પ્રકારનું ખાતર નાંખવાનું નથી. જંતુનાશક દવાની જરૂરિયાત નથી. હવા,પાણી, અને પ્રકાશ જ છોડને પોષણ આપે છે. ગાયના ગોબર અને ગૌ મૂત્ર ઉપરાંત અન્ય દ્રવ્યોમાંથી બનેલુ જીવામૃતએ કુદરતી ખેતી માટેનું કેન્દ્રબીંદુ છે. આ જીવામૃત દ્વારા કુદરતી ખેતી ચમત્કારિક પરિણામો આપે છે તેના સેંકડો ઉદાહરણો છે. આજે દેશમાં ૫૦ લાખથી વધારે ખેડૂતો ડો. સુભાષ પાલેકર કુદરતી ખેતી અપનાવી સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહયા છે. આ કુદરતી ખેતીના કારણે જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે છે અને ઉર્વરાશકિત પણ જળવાઈ રહે છે.

મહત્ત્વની વાત એ છે કે, કુદરતી ખેતીની પધ્ધતિમાં માત્ર એક ગાયમાંથી ૩૦ એકરની ખેતી થાય છે. તેના ગોબર અને મૂત્રમાંથી જીવામૃત બને છે. દેશી ગાયની ઉપલબ્ધીએ કોઈ સમસ્યા નથી. આ કુદરતી ખેતીની દિશામાં હવે કૃષિ વૈજ્ઞાનિકોએ પણ સંશોધન કરવુ પડશે. આ પધ્ધતિમાં બીજ, દવા, ખાતર, વગેરે કંઈ પણ ખરીદવાનું નથી. પાકમાં રોગ પણ લાગુ પડતો નથી એટલે દવાની પણ કોઈ જરૂરિયાત રહેતી નથી ત્યારે ખર્ચ શાનો ? માનો કે રોગ લાગુ પડે તો તેનો પણ કુદરતી ઉપાય આ પધ્ધતિમાં છે જ. દેશી ગાયના ગોબર, ગૌમૂત્ર અને સેઢાપાળાની વનસ્પતિમાંથી નિમાસ્ત્ર, અણુસ્ત્ર, બ્રહમાસ્ત્ર, દશવર્ણીઅર્ક વગેરે બનાવી રોગ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. આ કુદરતી ખેતી દ્વારા હિમાચલ પ્રદેશ કૃષિ ક્ષેત્રે પરિવર્તનની દિશામાં આગળ વધ્યો છે. ત્યારે ગુજરાત પણ આગામી દિવસોમાં આગળ વધે તેવી આશા સ્વાભાવિક રીતે જ સુભાષ પાલેકરજીએ વ્યકત કરી હતી. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન આ કુદરતી ખેતીની પધ્ધતિથી જ શકય બનશે.

કઈ દિશામાં જવું? ખેડૂત આજે ચક્રાવે ચડ્યો છે

રાજકોટ : રાસાયણિક ખેતીથી કપાસનું ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટી રહયું હોય અને પ્રાકૃતિક ખેતીથી વર્ષોવર્ષ કપાસનું ઉત્પાદન વધી રહયું હોય તેવા સેંકડો ઉદાહરણ નઝર સમક્ષ છે. ખેડૂત આજે જ ચકરાવે ચડયો છે. કઈ દિશામા ખેડૂતે જવું ?  એક તરફ પરંપરાગત કૃષિ, બીજી તરફ રાસાયણિક ખેતી ત્રીજી તરફ સજીવ ખેતી, ચોથી તરફ વૈદિક ખેતી, પાંચમી તરફ પ્રાકૃતિક ખેતી, તેમાંથી કઈ દિશા પકડવી ? આ તમામ પ્રકારની ખેતીમાંથી અનુભવે અને વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયુ છે સુભાષ પાલેકર- પ્રાકૃતિક ખેતી જ આગામી દિવસોમાં ખેતી અને ખેડૂતોને સમૃધ્ધ કરી શકશે. આગળ જણાવ્યું તેમાં તમામ પધ્ધતિમાં કઈં ને કઈંક સમસ્યા હતી જ પરંતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં ઉકેલ અને ઉકેલ જ છે. જયારે પશુધનની સમસ્યા હોય ત્યારે ઓછા પશુધન  એટલે કે, મર્યાદિત ગૌધનની સાથે કેવી રીતે કુદરતી ખેતી કરી શકાય તે વિચારવુ રહ્યુ

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના સાન્નિધ્યમાં ૭૦૦૦ ખેડૂતોની ઉપસ્થિતિ

આ કાર્યશાળામાં સુભાષ પાલેકરજીએ અને આચાર્ય દેવતવ્રતજીએ પ્રાકૃતિક ખેતી એટલે શું ? વર્તમાન સમયમાં તેની જરૂરિયાત, બિલકુલ ઓછા ખર્ચે મહત્ત્।મ કૃષિ ઉત્પાદન સાથે વધુ આવક આ ખેતી દ્વારા કઈ રીતે મળી શકે તે તમામ બાબતો ઉપર ખૂબ જ વિગતવાર છણાવટ કરીને આ કાર્યશાળામાં ઉપસ્થિત ૭૦૦૦ થી વધુ ખેડૂતોને વિશદ માર્ગદર્શન પૂરું પાડયું. સાથોસાથ પ્રાકૃતિક ખેતી માટે કિસાનોને પ્રોત્સાહિત પણ કર્યા. આ બન્ને મહાનુભાવોના પ્રાકૃતિક ખેતી અંગેના વિચારો અને તેમના અનુભવનો સારાંશ અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બની શકે એટલા માટે અહીં પ્રસ્તુત છે

(1:09 pm IST)