Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ટેમ્પો પલટી ખાતા એકનું મોત થયું : ૧૫ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત

ગણેશ વિસર્જન કરી પરત ફરતી વેળા અકસ્માત : મહેમદાવાદથી અમદાવાદ પરત ફરતા લોકોને હિરાપુર નજીક અકસ્માત નડ્યો : ૩ વ્યક્તિને એલજીમાં ખસેડાયા

અમદાવાદ, તા.૮ : ગણેશ મહોત્સવ અને ગણેશ વિસર્જન વચ્ચે આજે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં એક વૃધ્ધાનું મોત નીપજ્યું હતું તો, મહેમદાવાદથી ગણેશ વિસર્જન કરીને અમદાવાદ પરત ફરતા લોકોનો ટેમ્પો હિરાપુર પાસે પલટી મારી જતા ૧૫ જેટલા શ્રધ્ધાળુઓને ઈજાઓ પહોંચી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  જશોદાનગર ચોકડી પાસે ટેન્કરે રાહદારીઓને અડફેટે લેતા એક વૃધ્ધાનું મોત થયું હતું અને ત્રણ વ્યકિતઓને ઈજાઓ પહોંચી હતી. આ તમામને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

            આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના જશોદાનગર નવી વસાહતના લોકો છોટા હાથી ગણેશ વિસર્જન કરીને મહેમદાવાદથી અમદાવાદ પરત આવતા ગણેશ ભક્તોને હિરાપુર નજીક અકસ્માત નડ્યો હતો. ટેમ્પો પલટી જતા ૧૫ લોકોને ઓછાવત્તા અંશે ઈજાઓ પહોચી હતી. તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે મણીનગરની એલજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પણ એકસાથે આટલા ઇજાગ્રસ્તો આવતાં દોડધામ મચી ગઇ હતી. ડોકટરો, નર્સ અને સ્ટાફ સહિત સમગ્ર તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. તો, બીજીબાજુ,  જશોદાનગર સર્કલ પર ડીઝલ ટેન્કરે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. રસ્તા પર જતા રાહદારીઓને ટેન્કરના ચાલકે પોતાનું વાહન ગફલતરભરી રીતે હંકારી અડફેટે લીધા હતા. જેના કારણે સર્જાયેલા ગંભીર અને જીવલેણ અકસ્માતમાં એક વૃધ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોચતા મણીનગરની એલજી હોસ્પિટલ ખસેડાયા હતા. બંને બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(9:52 pm IST)