Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

અમદાવાદમાં વરસાદમાં ફરી બ્રેક : રસ્તાઓ ટૂંકમાં સુધારાશે

નવરાત્રિમાં રસ્તાઓને વ્યવસ્થિત કરી દેવાશે :હાલમાં વરસાદના પરિણામે ધોવાઈ ગયેલા અને ખરાબ થયેલા રસ્તાઓને વ્યવસ્થિત કરી દેવા ૬૦ કરોડની ગ્રાન્ટ

અમદાવાદ, તા.૮ : અમદાવાદ શહેરમાં વરસાદમાં ફરીવાર બ્રેકની સ્થિતિ મુકાઈ છે. જો કે, હાલમાં ધીમી ગતિથી વરસાદ જારી રહેવાના કારણે તંત્રની ચિંતા વધી ગઈ છે. કારણ કે, ચારેબાજુ ગંદગી અને કાદવ-કિચડનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અલબત્ત તંત્ર દ્વારા સાફસફાઈ ઝુંબેશ તીવ્ર કરવામાં આવી હોવા છતાં નિચાણવાળા વિસ્તારોમાં ગંદગી જોવા મળી શકે છે. એકબાજુ સિઝનલ રોગચાળાના કારણે જુદા જુદા કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં હજુ સુધી સિઝનમાં ૬૩૭ મીમી સુધીનો વરસાદ નોંધાઈ ચુક્યો છે. મોનસુન દરમિયાન માર્ગો ધોવાઈ ગયા પછી તેમના સમારકામ માટે ગુજરાત સરકાર દ્વારા કુલ ૨૧૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી માર્ગ યોજના હેઠળ આ રકમની ફાળવણી ખરાબ થયેલા રસ્તાઓના સમારકામ માટે આપવામાં આવ્યા છે. સૌથી વધુ અમદાવાદ મહાનગર પાલિકાને ૬૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગ્રાન્ટની આ રકમમાંથી અમદાવાદ સહિત મહાનગરના માર્ગોને થયેલા નુકસાનના સમારકામ માટે કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવનાર છે. નવરાત્રિ ઉત્સવ પહેલા અમદાવાદ શહેરમાં વરસાદમાં ધોવાઈ ગયેલા રસ્તાઓની સમારકામને પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. શહેરના લોકો ધોવાઈ ગયેલા અને ખરાબ થયેલા રસ્તાઓના કારણે વ્યાપક ફરિયાદો કરી રહ્યા છે.

          અમદાવાદમાં હાલમાં પડેલા વરસાદના કારણે એકબાજુ ભુવા પડવાના બનાવો બન્યા છે જેથી અકસ્માત થવાનો ખતરો વધી ગયો છે. બીજી બાજુ રોડ રસ્તાઓની ખરાબ હાલતના કારણે પણ શહેરીજનો વ્યાપક ફરિયાદો કરી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, વરસાદની સિઝનની પૂર્ણાહૂતિ બાદ રોડ રસ્તાઓને વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પ્રાથમિકતાના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવનારછે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, જે વિસ્તારોમાં ભુવા પડ્યા છે તે વિસ્તારમાં પણ કોર્પોરેશન દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવનાર છે. વરસાદી માહોલમાં અકસ્માતનો ખતરો વધી ગયો હોવાથી ચેતવણીરુપે ભુવાના સ્તર પર બોર્ડ મુકવામાં આવી રહ્યા છે. અલબત્ત શહેરના રસ્તાઓની હાલત હાલમાં સારી દેખાઈ રહી નથી. જુદા જુદા રોગના ખાસ કરીને સિઝનલ બિમારીઓના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન ૨૬.૫ અને મહત્તમ તાપમાન ૩૩.૯ ડિગ્રી નોંધાયું હતું.

કોને કેટલી ગ્રાન્ટ........

અમદાવાદ, તા. ૮ : મોનસુન દરમિયાન નુકસાનગ્રસ્ત માર્ગોના સમારકામ માટે મુખ્યમંત્રી માર્ગ યોજના હેઠળ કુલ ૨૧૬ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના ભાગરુપે ભારે વરસાદમાં નુકસાન પામેલા માર્ગોને વ્યવસ્થિત કરાશે. કઈ મહાનગરપાલિકાને કેટલી રકમ મળી તે નીચે મુજબ છે.

મહાનગરપાલિકા.............................. ગ્રાન્ટની રકમ

અમદાવાદ......................................... ૬૦ કરોડ

સુરત................................................. ૫૦ કરોડ

વડોદરા.............................................. ૩૫ કરોડ

રાજકોટ.............................................. ૨૫ કરોડ

ભાવનગર........................................... ૧૫ કરોડ

જામનગર........................................... ૧૫ કરોડ

જુનાગઢ............................................. ૬ કરોડ

ગાંધીનગર......................................... ૧૦ કરોડ

(9:42 pm IST)