Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કારની ટક્કરથી બાઇક ઉપર જઇ રહેલા બે યુવકોના મોત

વડોદરા પાસે નેશનલ હાઇવે અકસ્માત થયો : અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો : પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરીને તપાસ

અમદાવાદ,તા. ૮ : ગઇ મોડી રાત્રે નેશનલ હાઇવે નં-૪૮ પર વડોદરા નજીક વરણામા ગામના બસ સ્ટેન્ડ પાસે પૂરપાટઝડપે આવેલી મર્સિડીઝ કારે બાઇક પર જઇ રહેલા બે યુવાનોને અડફેટે લીધા હતા. કારના ચાલકે પોતાનું વાહન ગંભીર બેદરકારીપૂર્વક અને ગફલતફભરી રીતે હંકારી યુવકોની બાઇકને ટક્કર મારતાં બંને યુવકો બાઇક પરથી ફંગોળાઇ ગયા હતા અને તેના કારણે, ગંભીર ઇજાઓ થવાથી બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને બંને યુવકોના  કરૂણ મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. અકસ્માતને પગલે નેશનલ હાઇવે નં-૪૮ પર થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા નજીક આવેલા વરણામા ગામમાં રહેતા વિક્રમ નગીનભાઇ બારીયા અને રંગજીત સોમાભાઇ ડાભી નામના બે યુવાન ઘરેથી વડોદરા તરફ કામ અર્થે જવા માટે નીકળ્યા હતા.

           આ સમયે નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસીંગની મર્સિડીઝ કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બંને યુવાનો હવામાં ફંગોળાયા હતા અને જમીન પર પટકાયા હતા. ગંભીર પ્રકારના અકસ્માતમાં બંને યુવકોને ભારે ઇજાઓ પહોંચતા આખરે તેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જેને પગલે લોકોના ટોળેટોળા હાઇવે પર ઉમટી પડયા હતા અને તેના કારણે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. બીજીબાજુ, બંને યુવકોના મોતને લઇ સ્થાનિક લોકોમાં ભારે અરેરાટની લાગણી પ્રસરી ગઇ હતી.  તો, અકસ્માતના બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને બંને યુવાનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આરોપી કારચાલકની બાદમાં વરણામાં ગામેથી ધરપકડ કરી તેની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(9:57 pm IST)