Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

વડોદરાના મયુર જગદીશ રોહિતે અંડર ૮૦ કેજી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું વિશ્વભરમાં ગૌરવ વધાર્યું

વિજેતા થઈને પરત ફરેલા આ ખેલાડીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું : કૌશલ કિશોરે ખેલાડીઓને પ્રોત્સાહિત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો

વડોદરા તા.09 : બાટૂમી,જ્યોર્જિયા ખાતે તાજેતરમાં રમાયેલી ઇન્ટરનેશનલ વુશુ ટુર્નામેન્ટમાં વડોદરાનાં યુવાને મેદાન માર્યું છે. ભારતીય રમતવીરો માટે જાણે કે હાલમાં મેડલ વર્ષાની મોસમ ચાલી રહી છે. એમાં એક મેડલનો વધારો વડોદરાના મયુર જગદીશ રોહિતે કર્યો છે. ખેલાડીએ અંડર ૮૦ કેજી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત,વડોદરા અને શિક્ષણ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

ભારત સરકારના મંત્રી કૌશલ કિશોરે આ ખેલાડીઓને પ્રોત્સાહિત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આ ટર્નીમાં વુશુ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પસંદગીથી કુલ ૨૯ ભારતીય ખેલાડીઓ મોકલવામાં આવ્યા હતા જેમાં તેનો સમાવેશ થતો હતો.

મયુર મ.સ.વિશ્વ વિદ્યાલયની શારીરિક શિક્ષણ અને ખેલ વિદ્યાશાખામાં સ્નાતકિય શિક્ષણ લઈ રહ્યો છે. વુશુકોચ હિતેશ પરમારે તેને ખાસ તાલીમ આપી હતી.આ ઉપરાંત તેણે ઘણાં સ્થળોએ કોમબેટ સ્પોર્ટ્સ એટલે કે આક્રમક રમતોની તાલીમ લીધી છે. જેમાં ભબજીત ચૌધરી અને ઈશિકા થીટે પાસે મેળવેલા પ્રશિક્ષણનો સમાવેશ થાય છે. વિજેતા થઈને પરત ફરેલા આ ખેલાડીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

(11:36 pm IST)