Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

GSTના પાંચ વર્ષ : સફળતા મળી પણ પડકારો યથાવત, 12.23 લાખ રજીસ્ટર થયેલા લોકોએ ક્યારેય ટેક્સ ભર્યો નથી

ક્યારેય ટેક્સ નહી ભરનાર દર પાંચમો વેપારી ઉત્તર પ્રદેશનો, ટોચના ૧૦ રાજ્યોનો હિસ્સો ૭૫ ટકા રહ્યો

અમદાવાદ તા.09 : વન નેશન, વન માર્કેટ, વન ટેક્સ' એ GSTના અમલ પાછળનું મુખ્ય સુત્ર હતું. 1 જુલાઈ, 2017થી દેશના 1.3 મિલિયન કરદાતાઓને યુનિફાઈડ ઈન્ડાયરેક્ટ ટેક્સેસન સિસ્ટમ અંતર્ગત આવરી લેવામાં આવ્યા હતા. ત્યારે કેન્દ્ર સરકારના પોતાના આંકડા અનુસાર દેશમાં ૧૨,૨૨,૭૬૬ એવા GST નોંધણી કરાવનાર લોકો છે કે એમણે અમલ થયા પછી ક્યારેય ટેક્સ ભર્યો નથી. સમયાંતરે તે શૂન્ય ટેક્સ રિટર્ન જ ફાઈલ કરે છે.

કેન્દ્રીય નાણા મંત્રાલયે આ અંગેનો ફોડ એક સવાલનો જવાબ આપતા સોમવારે લોકસભામાં પાડ્યો હતો. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ટેક્સ ચોરી રોકવા માટે તમામ પ્રયન્ત કરી રહી છે. ટેક્સ ભરવા માટે ઈ-ઇન્વોઇસની વ્યવસ્થા છે. જેવું માલનું વેચાણ થાય એટલે તરત જ બીલ ઓનલાઈન બનાવવું એવો નિયમ છે. કોઈ વેપારી માલની ખરીદી ઉપર ટેક્સ ક્રેડીટ (વેરાશાખ) મેળવવા ઈચ્છે તો આગલા વેપારીએ ટેક્સ ભરેલો હોવો ફરજીયાત છે આમ છતાં આવા ૧૨.૨૩ લાખ વેપારીઓ કેવી રીતે એકપણ ટેક્સ ભર્યા વગર હજુ અસ્તિત્વમાં છે તે એક સવાલ છે.

લોકસભામાં કેન્દ્ર સરકારે વધારે જણાવ્યું હતું કે આ ૧૨.૨૩ વેપારીઓ કેન્દ્રના GST તંત્ર હેઠળના જ છે. એવી શક્યતા ખરી કે રાજ્ય સરકારમાં જે વેરો નહી ભરતા હોય તેમની સંખ્યા કદાચ આના કરતા પણ વધારે હોય શકે છે. માત્ર રાજ્યમાં વેચાણ અને ખરીદી માટે કેન્દ્રીય GSTની નોંધણી ફરજીયાત નથી. એ પોતાના રાજ્યમાં જ નોંધણી કરાવી શકે છે.

બીજું, કેન્દ્ર સરકારે આપેલી માહિતી અનુસાર દેશમાં સૌથી વધુ વેપારીઓ ૧૦૦માંથી પાંચ એવા છે કે જેમણે ક્યારેય ટેક્સ નથી ભર્યો હોય અને ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા છે. આ પછી સૌથી વધુ ટેક્સ નહી ભરનાર વેપારીઓની સંખ્યામાં બિહાર આવે છે. કુલ ૧૨.૨૩ લાખમાંથી નવ ટકા બિહારી વેપારીઓ એવા છે કે જેમણે ક્યારેય ટેક્સ ભર્યો નથી. કુલ વેરો નહી ભરનાર વેપારીઓની સંખ્યામાં સૌથી વધુ હિસ્સો ધરાવતા ૧૦ રાજ્યોનો હિસ્સો ૭૫ ટકા જેટલો છે એટલે કે કર નહી ભરનારા દર ચાર વેપારીઓમાંથી ત્રણ આ ટોચના ૧૦ રાજ્યોમાં પોતાનો કરોબાર ચલાવે છે.

(9:36 pm IST)