Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો ગુજરાતના 2.5 કરોડ લોકોને ફાયદો થશે તેવી ગેરંટી જાહેર કરશે : આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી

રાજકોટ તા.૯ :આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી આવતીકાલે 10 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપશે. અમદાવાદમાં ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગેરંટી આપશે. આ ટાઉન હોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના 2.5 કરોડ લોકોને લાભ આપવાની ગેરંટી જાહેર કરશે.

અરવિંદ કેજરીવાલ જી આવતીકાલે 10 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. આ પછી, બપોરે 3 વાગ્યે, અરવિંદ કેજરીવાલ વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર હોલમાં ટાઉન હોલ કાર્યક્રમમાં ગેરંટી જાહેર કરશે. આ ટાઉનહોલ કાર્યક્રમ પછી અરવિંદ કેજરીવાલ જી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરશે અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલ જી રાત્રે 9 વાગ્યે અમદાવાદથી નીકળીને દિલ્હી જવા રવાના થશે.

અગાઉ અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાને દર મહિને 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપી છે. આ પછી અરવિંદ કેજરીવાલજીએ યુવાનોને રોજગારની ગેરંટી આપી છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓને વાયદાઓ આપીને  મહત્વની ઘોષણા જાહેર કરી હતી. અને હવે અરવિંદ કેજરીવાલ જી ગુજરાતની જનતાને વધુ એક મહત્વની ગેરંટી આપવા જઈ રહ્યા છે.

(5:20 pm IST)