Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

હોટલ બુકીંગનું અને ટ્રેન ટીકીટનું કેન્‍સલેશન પણ GSTને કારણે મોંઘુ થયુ

નાણાં મંત્રાલયનો પરિપત્ર : મોટાભાગના લોકો કેશ પેમેન્‍ટ આપતા હોવાથી જી.એસ.ટી.ની ગણતરીથી અજાણ? : બુકીંગ વખતે જેટલો જી.એસ.ટી. ચૂકવ્‍યો હોય તેટલો જ જી.એસ.ટી. કેન્‍સલેશન વખતે પણ આપવાનો ?! : જે સર્વિસ ગ્રાહકે લીધી જ નથી તો પછી કેન્‍સલેશન વખતે જી.એસ.ટી. શેનો ?! : ટ્રાવેલ એજન્‍ટો અને લોકોમાં ભારે કચવાટ - કડવાશ

રાજકોટ તા. ૯ :.. આજના ફાસ્‍ટ ફોર વર્ડ યુગમાં અને ર૧મી સદીમાં જીવનશૈલીમાં પરિવર્તનના ભાગરૂપે લોકોમાં વર્ષ દરમ્‍યાન હરવા-ફરવાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. ભારતનો પ્રવાસન ઉદ્યોગ દિવસે  - દિવસે હરણફાળ ભરી રહ્યો છે. ઘણાં અંશે કોરોનાને ભૂલીને સહેલાણીઓ ફરી હોલીડેના મૂડમાં આવી ગયા છે ત્‍યારે જાણવા મળ્‍યા મુજબ કેન્‍દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્‍યો છે. જેમાં હવે હોટલનું બુકીંગ તથા ટ્રેનની ટીકીટનું બુકીંગ કેન્‍સલ કરાવવા માટે પણ ગુડઝ એન્‍ડ સર્વિસ ટેકસ (જીએસટી) ચૂકવવાનો રહેશે, જેને કારણે લોકોના ખિસ્‍સા ઉપર બોજ વધી જશે.

બુકીંગ વખતે જેટલો જીએસટી ચૂકવ્‍યો હતો તેટલો જ જીએસટી હવે લોકોએ ટ્રેન ટીકીટ કે હોટલ બુકીંગ કેન્‍સલ કરતી વખતે પણ આપવો પડશે. ટ્રેનની ટીકીટ બુક કરાવતી વખતે પાંચ ટકા, જીએસટી આપ્‍યો હોય તો તે ટીકીટને કેન્‍સલ કરાવતી વખતે પણ કેન્‍સલેશન રકમ ઉપર જીએસટી ચૂકવવાનો રહેશે તેવું નાણાં મંત્રાલયના પરિપત્રનું અર્થઘટન ટ્રાવેલ એજન્‍ટો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ ટીકીટને કેન્‍સલ કરાવવા ઉપર જીએસટી ન હતો, હવે કેન્‍સલેકશન ચાર્જ સાથે જીએસટી પણ ચૂકવવો પડશે. ધારો કે કોઇ વ્‍યકિતએ રેલ્‍વેમાં કોઇ ફર્સ્‍ટ કલાસ ટીકીટ બુક કરાવી હોય તો તેઓએ ર૪૦ રૂપિયા કેન્‍સલેશન ચાર્જ આપવો પડતો હતો. પરંતુ હવે ર૪૦ રૂપિયા ઉપર પાંચ ટકા જીએસટીના હિસાબે ૧ર રૂપિયા વધુ આપવા પડશે.

હોટલ બુકીંગ કેન્‍સલેશનમાં પણ બુકીંગ બીલ વખતે હોટલની સર્વિસ ઉપર આપવામાં આવેલ પાંચ ટકા જીએસટી બુકીંગ કેન્‍સલેશન વખતે પણ આપવાનો થાય તેવું અર્થઘટન થઇ રહ્યું છે. જો કે નાણામંત્રાલયના પરિપત્રના અમલીકરણ અંગે થોડી અસમંજસ પ્રવર્તતી હોય, થોડા સમયમાં બધું કલીયર થઇ જવાની આશા સેવાઇ રહી છે.અમુક ટ્રાવેલ એજન્‍ટોના કહેવા પ્રમાણે મોટાભાગના લોકો ચેકને બદલે કેસ પેમેન્‍ટ આપતા હોય છે. જેથી ગ્રોસ રકમ - લમસમ રકમની ચૂકવણી વખતે જીએસટીની ગણતરીથી અજાણ રહેતા હોવાનું પણ સંભળાય રહ્યું છે. ટ્રાવેલ એજન્‍ટો અને લોકોમાં તો ભારે કચવાટ ફેલાયો છે અને અમુક તો કડવાશ  સાથે પ્રશ્ન કરી રહ્યા છે કે જે સર્વિસ ગ્રાહકે લીધી જ નથી તો પછી કેન્‍સલેશન  વખતે    જીએસટી શેનો આપવાનો ?

જો કે  સરકારી નિયમ અને વ્‍યાખ્‍યા મુજબ કોઇપણ સર્વિસ આપવામાં આવતી હોય તો તેની ઉપર જીએસટી આપવાનો થાય છે. માટે કેન્‍સલેશન ચાર્જ - પ્રોસીજરને પણ વ્‍યાખ્‍યા મુજબ સર્વિસ ગણવામાં આવતા તેને જીએસટીના દાયરામાં આવરી લીધા હોઇ શકે. ધારો કે હોટલ બુકીંગ - કેન્‍સલેશનમાં પાંચ  ટકા હોય તો રેલ્‍વે ટીકીટ બુકીંગ-કેન્‍સલેશનમાં પણ પ ટકા જી. એસ. ટી. ચાર્જ થઇ શકે છે.

(3:54 pm IST)