Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

હોસ્‍પિટલના બિલમાં ૨૪ કલાક પુરા થવામાં ૧૧ મિનિટ ઓછી જણાતા મેડિક્‍લેઇમ રિજેક્‍ટ કર્યો

પાર્કિન્‍સનની સારવાર માટે દર્દીને દાખલ કરાયા પછી ૨૪ કલાક પછી રજા આપી પણ બિલ ૧૧ મિનિટ વહેલુ બન્‍યુ : ક્‍લેઇમ લેનારાઓના પૈસાથી જ રચાયેલી એજન્‍સીઓથી વીમા ક્‍લેઇમ મૂકનારા પરેશાન

અમદાવાદ,તા.૯: સામાન્‍ય રીતે હોસ્‍પિટલમાં એડમિટ થયેલા દરદીનું બિલ બન્‍યા પછી તમામ વિધિઓ પૂરી થતાં બેથી ત્રણ કલાક લાગી જતાં હોવા છતાંય મેડિક્‍લેઈમ ઇશ્‍યૂ કરનારી કંપનીએ બિલ પ્રમાણે હોસ્‍પિટલમાં મિનિમમ રહેવાના સમય ગાળામાં ૧૧ મિનિટ ઓછી જણાતી હોવાનું જણાવીને દર્દીને વીમાનો ક્‍લેઈમ આપવાની ના પાડી દીધી છે. દરદી વાસ્‍તવમાં ૨૫ કલાક કે ૨૬ કલાક હોસ્‍પિટલમાં રહ્યા હોવા છતાંય ૧૧ મિનિટનું કારણ આગળ કરીને ક્‍લેઈમ રિજેક્‍ટ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદની એપિક હોસ્‍પિટલમાં સારવાર લેનાર એક દરદીને ધ ન્‍યુ ઇન્‍ડિયા ઇન્‍સ્‍યુરન્‍સ  કંપનીએ વીમાની રકમ ચૂકવવાની ધરાર ના પાડી દેતા દરદી ગિન્નાયા છે. મેડિક્‍લેઈમ મેળવવા માટે ૨૪ કલાક હોસ્‍પિટલમાં રહેવાનો નિયમ ચોક્કસ છે. પરંતુ હોસ્‍પિટલમાં બિલ બનાવ્‍યા પછી પેમેન્‍ટ કરવાની તમામ વિધિઓ કરતાં બીજા દોઢથી બે કલાક થઈ જતાં હોય છે. આ હકીકતથી વીમા કંપનીઓ માહિતગાર હોવા છતાંય તેઓ ૧૧ મિનિટનું કારણ આગળ કરીને મેડિક્‍લેઈમના નાણાં અટકાવી રહ્યા છે. આ દર્દીઓ ખૂલીને સામે આવી શકતા નથી, કારણ કે તેમને વીમા ક્‍લેઈમ મેળવવામાં કાયમને માટે તકલીફ થવાનો ભય સતાવે છે. તેમાંય સિનિયર સિટીઝન થઈ ગયા પછી વરસોના વરસો સુધી પ્રીમિયમ ભરનારાઓ વીમા ક્‍લેઈમ ભવિષ્‍યમાં નહિ મળે તેવા ભયથી ચૂપકીદી સેવવાનું પસંદ કરે છે. તેનો ગેરલાભ વીમા કંપનીઓ ઊઠાવી રહી છે.  પરિણામે મેડિક્‍લેઈમ લઈને ગેરકાયદેસર રીતે મોટી રકમના ક્‍લેઈમ મંજૂર કરાવી લેનારાને થર્ડ પાર્ટી એજન્‍સીના અધિકારીઓ અને વીમા કંપનીઓના અધિકારીઓ આડકતરી રીતે સહકાર આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે. સરકારી વીમા કંપનીઓના આ વલણને પરિણામે તેમનો ધંધો ખાનગી વીમા કંપનીઓ ખેંચી રહી છે. જોકે વીમેદાર તેમની પાસે ગયા પછી તેમના થકી પણ ક્‍લેઈમ રિજેક્‍ટ થવાના કડવા અનુભવ થાય જ છે. 

(10:29 am IST)