Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ

સરકારી હાઈસ્કુલ રાજપીપલા ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાઈ વિવિધ સ્પર્ધાઓ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લો હાલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો છે તેવુ કહેવું કંઈ ખોટુ નથી. કારણ કે, જિલ્લામાં મહિલા-બાળક, યુવાનો સહિત તમામ લોકો ‘હર ઘર તિરંગા’ ની ઉજવણી કરી રહ્યું છે. શૈક્ષણિક સંકુલની વાત કરીએ તો જિલ્લાની પ્રત્યેક શાળાઓમાં દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન હાથ ધરાશે. આ કાર્યક્રમને અનુલક્ષીને SVS કક્ષાએ સરકારી હાઈસ્કુલ, રાજપીપલાના આચાર્ય તુષારસિંહ સોલંકી તથા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવાની અધ્યક્ષતામાં ‘હર ઘર તિરંગા’ ની થીમ પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 
સરકારી હાઈસ્કુલ રાજપીપલાના આચાર્ય તુષારસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘હર ઘર તિરંગા‘ અભિયાન શરૂ કર્યું છે. જેને લઈને આજ રોજ ‘રાષ્ટ્રધ્વજનું મહત્વ’ વિષય પર નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, આર્ટ એન્ડ ક્રાફ્ટ/ચિત્ર સ્પર્ધા સહિત ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ ‘હર ઘર તિરંગા’ અંતર્ગત આયોજિત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.વધુમાં તેમણે જણાવ્યું કે, SVS કક્ષાએ આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં હવે પછી મોકલવામાં આવશે. વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર ઉર્વશીબેન વસાવાએ પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંગે પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું કે, દેશના દરેક ઘર-આંગણામાં તિરંગો લહેરાશે, દેશની શાન, દેશના સન્માનમાં તિરંગો લહેરાશે કારણ કે દેશનું અભિમાન તિરંગો છે. સ્પર્ધામાં ઉપસ્થિત તમામ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા.
 શાળા વિકાસ સંકુલ (SVS) કક્ષાએ યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં કુલ ૫૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિવિધ શાળાના શિક્ષકો તથા રાજપીપલા હાઈસ્કુલ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનને અનુલક્ષીને  વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

(11:23 pm IST)