Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

અમદાવાદના વસ્ત્રાલમાં મંદિરના પુજારીની મુસ્લિમ પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો : પહેલા રાખડી બંધાવી સગાભાઇઓએ છરીના ઘા મારી હત્યા કરી

આરોપીઓએ સોના-ચાંદીનાં દાગીના અને રોકડ રકમની લૂંટ પણ કરી લીધી

અમદાવાદ: શહેરના વસ્ત્રાલની સરિતા રેસિડન્સીમાંથી મંદિરના પૂજારીની 45 વર્ષીય મુસ્લિમ પત્નીની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ અમદાવાદ  ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી દીધો છે. આ ઘટનામાં મૃતકના ભાઈઓએ જ મહિલાની હત્યા કરી નાખી હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે મૃતકના ભાઈઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે ગુરૂવારનાં રોજ વસ્ત્રાલની સરિતા રેસિડેન્સીમાંથી મંદિરના પૂજારીની મુસ્લિમ પત્ની સૌકી ઉર્ફે મીરાની લાશ તેના મકાનના બેડરૂમમાંથી મળી આવી હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેકટર એ.વાય.બલોચે બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે જઈ સાજીજુલ ઉર્ફ સાજીત શેખ (ઉં.40) અને રોજોઅલી ઉર્ફે રાજ શેખ (ઉં.27)ની ધરપકડ કરી લીધી હતી.

બંને ઇસમોને સૌકી ઉર્ફે મીરાના ખૂન બાબતે ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે,તા.4/8/2020ના રાત્રીના સાડા આઠેક વાગ્યે અમે બન્ને ભાઇઓ અમારી સગી બહેન સૌકી ઉર્ફે મીરા રામસ્વરૂપ સાધુના ઘરે રાખડી બાંધવાનો ફોન કરીને ઘરે ગયા હતા. જ્યાં અમે અમારી બહેન સૌકી ઉર્ફે મીરાની છરાના ઘા મારી હત્યા કરી હતી

રાકેશ નેપાળી (બનેવી)નું મોત થતા સૌકી ઉર્ફે મીરાએ બીજા પ્રેમ લગ્ન રામ સ્વરૂપ સાધુ સાથે કર્યા હતા. મીરા અને રામ સ્વરૂપ સાધુના લગ્નજીવનમાં ઘર કંકાસ થતા હતા. બંને ભાઈઓને શંકા હતી કે ફરીથી તેના લગ્ન તુટી જશે અને તે ફરીથી દેહવ્યાપારમાં જોડાઈ જશે. બહેન અને બનેવી વચ્ચે અવાર-નવાર ઝગડા થતા હોવાની જાણ બધાને હતી અને જો બહેનની હત્યા કરી દઈએ તો શંકા બનેવી રામ સ્વરૂપ પર જાય તેમ આરોપીઓએ જણાવ્યું હતું. આરોપીઓએ બહેનને ફોન કરીને પોતે ઘરે રાખડી બંધાવવા આવે છે તેમ જણાવ્યું હતું. આરોપીઓ બહેનના ઘરે જઈ રાખડી બંધાવી તેની તિક્ષણ હથિયાર વડે હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓએ સોના-ચાંદીનાં દાગીના અને રોકડ રકમની લૂંટ પણ કરી લીધી હતી.

પોલીસે આ બંને આરોપીઓ પાસેથી 5,60,750 રૂપિયાનાં 112.15 ગ્રામ સોનાના દાગીના તથા 26,151 રૂપિયાનાં 523.07 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 27,555 સાથે કુલ 6,14,456 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત બે મોબાઈલ ફોન તથા ખૂન કરવામાં વપરાયેલ બે છરા પણ કબ્જે કર્યા હતાં

 

(8:39 pm IST)