Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

આદિવાસી વિસ્તાર પછાત નહીં પરંતુ વિકસિત વિસ્તાર તરીકે ઓળખાય એવી સરકારની નેમ

વિશ્વ આદિવાસી દિવસે છોટુભાઈ વસાવાના આક્ષેપનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જવાબ

રાજપીપળા: ભારત દેશમાં 9મી ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી.”વિશ્વ આદિવાસી દિવસ”એ BTP ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે “આદિવાસી” શબ્દને ખતમ કરવાની સાજીસ ચાલી રહી છે, હું યુવાનોને આહવાન કરું છું કે “આદિવાસી” શબ્દ માટે લડો એક દિવસ આપણો જરૂર આવશે.

રાજપીપળા ખાતે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ હતી. દરમિયાન એમણે છોટુભાઈ વસાવાના આક્ષેપનો જવાબ આપ્યો હતો કે, છોટુભાઈએ તો આજે કહ્યું છે પણ હું તો 2013થી કહેતો આવ્યો છું કે દેશના તમામ સમાજના લોકોએ એવી માનસિકતા બનાવવી પડશે કે આદિવાસી ભાઈ સામાન્ય મુખ્ય પ્રવાહમાં ભળે. આદિવાસીઓની પણ પછાતમાંથી સર્વ સામાન્યમાં ભળવાની માનસિકતા હોવી જોઈએ. એ ફરજ સરકારની એકલાની નથી સર્વ સમાજની છે. આદિવાસી સમાજ દેશનો એક મોટો સમાજ છે એ સમાજ વગર કોઈને ચાલવાનું નથી. આદિવાસી વિસ્તાર પછાત તરીકે ઓળખાય એના કરતાં વિકસિત વિસ્તાર તરીકે ઓળખાય એવી સરકારની નેમ છે

શાળાઓ ક્યારે ચાલુ થશે એ બાબતે જણાવ્યું હતું કે હજુ સુધી એ બાબતે અમારી પાસે કેન્દ્ર સરકારનો કોઈ અધિકૃત પત્ર આવ્યો નથી, સ્થિતિ સામાન્ય થાય બાળકોનું હિત જળવાય એ રીતે નિર્ણય લેશું. હાલ ફી બાબતે વિવાદ સર્જાયો છે તો એ મામલે ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે ફી નો મુદ્દો ગૂંચવાયો જ નથી, હાઇકોર્ટે કહ્યું છે કે સરકાર સંચાલકો સાથે બેસી બન્નેવ પક્ષકારોનું હિત સચવાય એવો નિર્ણય કરે તો સરકાર પણ એ જ દિશામાં કામ કરશે.

ભુપેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે કુપોષણ દૂર કરવા સરકારે દૂધ સંજીવની યોજનાની આદિવાસી વિસ્તારમાંથી શરૂઆત કરી હતી. આખા વિશ્વમાં જો કોઈ યોજનામાં સૌથી વધુ વળતર મળ્યું હોય તો એ સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોને મળ્યું છે. કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ ભાજપથી નહિ પણ ભારતથી ઓળખાશે, નવી શિક્ષણ નીતિનું નામ ભાજપ સાથે નહિ પણ ભારત સાથે જોડાશે.લોકડાઉન દરમિયાન બાળકોનું ભવિષ્ય ન બગડે એ માટે સરકારે અંતરિયાળ વિસ્તારમાં ઓન લાઈન અને ઓફ લાઈન બન્નેવ રીતે શિક્ષણ આપ્યું છે

(6:09 pm IST)