Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

અમદાવાદના ગીતામંદિર ખાતે મોબાઈલ માર્કેટમાં દરોડા : Apple iPhoneની.14 લાખની ડુપ્લીકેટ એસેસરીઝ જપ્ત

વિવિધ પ્રકારની એસેસરીઝ સાથે ચાર વેપારીઓની ધરપકડ કરાઈ

અમદાવાદઃ ગીતામંદિર ખાતે મોબાઈલ માર્કેટમાં આવેલી કોર ટેલિકોમ, પરમેશ્વરી મોબાઈલ એસેસરીઝ, નાગ્નેચી મોબાઈલ એસેસરીઝ અને ભવાની મોબાઈલ એસેસરીઝ નામની દુકાનોમાં પીસીબીએ દરોડા પાડ્યાં હતાં. પોલીસે Apple iPhone મોબાઇલની રૂ.14 લાખની ડુપ્લીકેટ એસેસરીઝ આ દુકાનોમાંથી કબ્જે લઈ 4 વેપારીઓની ધરપકડ કરી હતી.

આરોપી વેપારીઓ વિરૂદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કલમ 420, 406 અને કોપીરાઈટ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જે ચાર વેપારીને ઝડપ્યાં તેમાં વિક્રમ પૂનમારામ સુથાર (રહે. સુથાર વાડો, કોટેશ્વર મહાદેવ મંદિર પાસે ખાડિયા), કાંતિલાલ ઉકાજી ઘાચી (રહે. રાયચંદનગર, વિસત ત્રણ રસ્તા પાસે, ચાંદખેડા) ભેરારામ બગદારામ ઘાચી (રહે. લાલાભાઈની પોળ, માણેકચોક) અને શૈતાનસિંહ ઓકસિંહ રાવ (રહે. જોગેશ્વરી સોસાયટી, સિટીએમ) નો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી Apple iPhoneની ડુપ્લીકેટ એસેસરીઝ જેવી કે, લાઇટિંગ કેબલ, સ્મોલ લાઇટિંગ કેબલ, એપલની બેટરીઓ, બ્લુટુથ હેન્ડ સેટ, બેક કવર, એર પોડ, એરપોડના કવર, બેક ગ્લાસ, એડપ્ટર અને લાઈટીંગ કેબલ વિથ ચાર્જરનો જથ્થો પકડ્યો હતો. કુલ રૂ.13.80 લાખની મતાનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો. પોલીસે વેપારીઓ વિરૂદ્ધ ગુનો દાખલ તમામની ધરપકડ કરી છે. નકલી એસેસરીઝ આરોપીઓ ક્યાંથી અને કોણી પાસેથી લાવ્યાં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

(6:01 pm IST)