Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

હવે અમદાવાદીઓને 40 સેકન્ડ પહેલાં જ મળી જશે ભૂકંપની ચેતવણી : મોબાઈલમાં SMS એલર્ટ આવશે

ઇન્સ્ટિટયૂટ ઓફ સીસ્મિક રિસર્ચએ (ISR) એ ભૂકંપ એલર્ટ માટેની સિસ્ટમ ડેવલોપ કરી

ગાંધીનગરઃ  હવેથી અમદાવાદીઓને ભૂકંપનો 40 સેકન્ડ પહેલાં જ ખ્યાલ આવી જશે , ઇન્સ્ટિટયૂટ ઓફ સીસ્મિક રિસર્ચએ (ISR) એ એક એવી સિસ્ટમ ડેવલોપ કરી છે કે જેમાં ભૂકંપ આવે તેની 40 સેકન્ડ પહેલાં મોબાઇલમાં એલર્ટનો એક SMS આવી જશે. જેથી જેને પણ બીજી સુરક્ષિત જગ્યાએ ખસવું હોય તે ખસી શકશે.

વર્ષ 2001ની 26મી જાન્યુઆરીની સવાર અમદાવાદીઓ ક્યારેય ભૂલી શકતા નથી. આમ તો માત્ર અમદાવાદીઓ જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય ક્યારેય ભૂલી શકે તેમ નથી. એ દિવસે સવાર સવારમાં આવેલા વિનાશક ભૂકંપે ધરા ધ્રુજાવી દેતા લોકો હલબલી ગયા હતાં. અનેક જગ્યાએ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતાં તો કેટલાંકને પોતાની માલ-મિલકત સહિત ઘણું બધું નુકસાન પણ થયું હતું.

જો કે આ સિસ્ટમ ડેવલોપ કરવા પાછળનો મુખ્ય હેતુ નાગરિકોનું રક્ષણ કરવાનો છે. આ સિસ્ટમથી તેમના મોબાઇલ પર 40 સેકન્ડ પહેલાં ભૂકંપ વિશે આગોતરી જાણ કરી તેમની કિમતી જિંદગી અને ગેસ લાઇન, ઇલેક્ટ્રિક લાઈન જેવાં મહત્ત્વનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવાનો જ છે.

ISRનાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, “તેઓ છેલ્લાં 4 વર્ષથી એક ખાસ પ્રકારનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલ્ગોરિધમ તૈયાર કરી રહ્યાં છે. હાલમાં તે કચ્છમાં એપી સેન્ટર હોવાંથી તેવા નાનામાં નાના ભૂકંપને પણ 15 સેકન્ડની અંદર ઝડપી શકે છે. જેથી અમદાવાદ જેવા શહેરમાં ભૂકંપનો આંચકો પહોંચે તે પહેલા 40 સેકન્ડ જેટલો સમય મળશે.

જો આ સિસ્ટમ અંગેની વાત કરીએ તો, જ્યારે ભૂકંપ આવે ત્યારે P-વેવ, વિનાશક G-વેવ અને સરફેસ વેવ એમ ત્રણ પ્રકારનાં વિવિધ કંપન-વેવ મોકલે છે. P-વેવ શરૂઆતમાં સિસ્મોમીટર દ્વારા શોધી કાઢવામાં આવે છે અને તે સૌથી ઝડપથી આવે છે. સેન્સર્સ P-વેવ શોધીને તત્કાળ તે ડેટા ચોવીસે કલાક કાર્યરત મોનિટરિંગ સિસ્ટમ પર ટ્રાન્સમિટ થાય છે અને ત્યાં અલ્ગોરિધમ લોકેશન અને ભૂકંપની તીવ્રતા નક્કી કરે છે.

S- વેવ, સંભવિત નુકસાન વિશેની માહિતી આપે છે. S- વેવ P-વેવને અનુસરે છે. મોનિટરિંગ સેન્ટરમાંથી તત્કાલ તમારા મોબાઇલ અથવા ડેસ્કટોપ પર ભૂકંપની ચેવતણી ટ્રાન્સમિટ કરે છે. આમ, આ રીતે આ સિસ્ટમ તમારા મોબાઇલ પર 40 સેકન્ડની અંદર જ તમને SMS દ્વારા ભૂકંપની ચેતવણી આપે છે.

(3:57 pm IST)