Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

૧૪ વનબંધુ જિલ્લાના ૨૮ સ્થળોએ થઇ ઉજવણી : મુખ્યમંત્રીએ એક જ દિવસમાં એક સાથે ૬ શાળાઓના લોકાર્પણ - ૪ના ખાતમુહૂર્ત કર્યા

રૂ.૧૩૬.૪૦ કરોડના વિકાસ કામોની ભેટ આપતા રૂપાણી : ૪૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળશે લાભ

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તા.૯મી ઓગસ્ટની રાજ્ય ઉજવણી પ્રસંગે ગુજરાતના વનબંધુ વિદ્યાર્થીઓને રૂ.૧૩૬.૪૦ કરોડના ૧૦ શાળા - હોસ્ટેલ - સ્પોર્ટ્સ સંકુલની વિકાસ ભેટ આપી છે

  વિશ્વભરના મૂળ નિવાસી સમુદાયો એવા આદિવાસી વનબંધુ સમાજોને અન્ય વિકસિતોની હરોળમાં લાવી, શિક્ષણ સહિતના હક, અધિકારો માટે યુનોની સામાન્ય સભાએ દર વર્ષે ૯મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું ઘોષિત કરેલો છે.

  ગુજરાતના  અંબાજીથી ઉમરગામ ની સમગ્ર આદિજાતિ વનબંધુ પટ્ટી ના ૧૪ જિલ્લાના ૨૮ સ્થળોએ આ દિવસની વિકાસ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ ઉજવણીમાં સહભાગી થતા બનાસકાંઠાના દાતા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, અરવલ્લીના શામળાજી, નર્મદાના ડેડીયાપાડા તથા પંચમહાલના ઘોઘંબા તાલુકામાં કુલ ૭૧ કરોડના ખર્ચે મોડેલ સ્કૂલ, કન્યા છાત્રાલય. એકલવ્ય રેસિડેન્સીયલ શાળા સંકુલ અને સ્પોર્ટસ સંકુલના ઈ-લોકાર્પણ કર્યા હતાઆ સુવિધાઓનો અંદાજે ૨૭૦૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને લાભ મળવાનો છે.

 મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીએ શિક્ષણના વ્યાપથી જ વિકાસ શક્ય છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા આ અવસરે કહ્યું કે, શિક્ષિત સમરસ અને વિકાસોન્મુખ સમાજના નિર્માણ માટે આપણે એક પણ આદિજાતિ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેવી વ્યવસ્થાઓ અંતરિયાળ અને દૂર-દરાજના ગામો સુધી સુનિશ્ચિત કરી છે.

  મુખ્યમંત્રીએ આ ઉજવણી અન્વયે છોટાઉદેપુરના નસવાડી અને બોડેલી તેમજ સાબરકાંઠાના પોશીનામાં કુલ રૂ. ૬૫ કરોડના ખર્ચે નિર્માણ થનારા શાળા - નિવાસી શાળા સંકુલના ઈ-ભૂમિપૂજન સંપન્ન કર્યા હતા. ૧૮૬૦ વનબંધુ છાત્રોને આ સંકુલ નિર્માણથી શિક્ષણ સુવિધા ઘર આંગણે પ્રાપ્ત થવાની છે.

  મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રકૃતિની ગોદમાં અને પ્રકૃતિની વચ્ચે વન સાથે રહેનારા આ સમાજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જાળવ્યા છે.

  આ સંદર્ભમાં તેમણે ઇતિહાસમાં રામાયણકાળમાં ભગવાન રામને મદદ રૂપ થયેલા રાજા નિશાદ, સોમનાથની રક્ષા માટે પ્રાણ આપનારા વેગડા ભીલ અને આઝાદી સંગ્રામના આદિવાસી ક્રાંતિ વીરો બિરસા મુંડા, ગોવિંદ ગુરુનું સ્મરણ કર્યું હતું.

વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે આદિજાતિઓના સર્વાંગી ઉત્કર્ષની સંકલ્પના સાથે પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારીજીની તત્કાલીન સરકારે દેશમાં પહેલીવાર અલગ આદિજાતિ વિકાસ મંત્રાલય સ્થાપ્યું હતું.

  ગુજરાતમાં પણ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિવાસીઓના શિક્ષણ, આરોગ્ય, રસ્તા પાણી જેવી માળખાકીય સુવિધાઓમાં વિકાસને આયોજનબદ્ધ આગળ ધપાવ્યો છે એની છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

  મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે આ સરકારે એ જ આદિવાસી વિકાસ પરંપરાને આગળ ધપાવીને  રૂપિયા૧૦૦૯૫૬ કરોડ વન બંધુ કલ્યાણ યોજના ખર્ચ કરી વનબંધુ વિકાસ ની આગવી દિશા કંડારી છે.

  તેમણે કહ્યું કે આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ-પીવાના પાણીની સગવડ માટેની વિવિધ સિંચાઇ અને ઉદ્વહન સિંચાઇ યોજનાઓ  રૂપિયા ૫ હજાર કરોડના ખર્ચે આપી છે.
 એટલું જ નહીં વનબંધુઓના સંતાનો પણ ડોક્ટર ઇજનેર જેવા ઉચ્ચ અભ્યાસ કરી સમાજની સેવામાં જોડાય તે માટે વનબંધુ ક્ષેત્રોમાં ppp મોડલ પર મેડિકલ કોલેજો કાર્યરત કરી છે.

મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે સૌના સાથ સૌના વિકાસ સાથે સૌના વિશ્વાસના મંત્રથી આ સરકારે આદિજાતિઓના હક્કોના રક્ષણ અને સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે વિધાનસભામાં ખરડો પસાર કરી કાયદો પણ બનાવ્યો છે.

  તેમણે પેસા એકટનો રાજ્યમાં ત્વરીત અમલ કરાવીને વનબંધુઓને વન પેદાશો અને ગૌણ ખનીજના હક આપી સ્થાનિક વિકાસ કામોને પણ સરકારે પ્રાધાન્ય આપ્યું છે તેમ પણ ઉમેર્યું હતું.

  મુખ્યમંત્રીએ આત્મનિર્ભર સહાય પેકેજ અન્વયે વનવાસી-આદિવાસી શ્રમિકોને તેમના વતનમાં પાકું મકાન બાંધવા ૩૫ હજાર રૂપિયાની સહાય સરકારે જાહેર કરી છે તેની પણ ભૂમિકા આપી હતી.

 વિજયભાઈ રૂપાણીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને સરકાર સુધી વનબંધુ આદિવાસીઓના ઉત્કર્ષ અને કલ્યાણની સર્વગ્રાહી યોજનાઓના અમલથી 'સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના'નો કોલ આપ્યો હતો.

  આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં જિલ્લા મથકોએ ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી રમણભાઈ પાટકર તેમજ વિવિધ નિગમો બોર્ડના પદાધિકારીઓ, ધારાસભ્યો-સાંસદઓ ઉપસ્થિત રહ્યા હતા.

આદિજાતિ વિકાસ સચિવ અનુપમ આનંદે પ્રારંભમાં ગાંધીનગરથી આ ઉજવણી કાર્યક્રમ નો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી સૌને આવકાર્યા હતા. આદિજાતિ વિકાસ કમિશ્નર દિલીપ રાણા પણ આ વિડીયો ઈ-લોકાર્પણ  ખાતમુહૂર્તમા ગાંધીનગરથી જોડાયા હતા.

(3:54 pm IST)