Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ફુલ ફોર્મમાં ભલે તારીખ જાહેર ન થઇ પરંતુ ભાજપ કોંગ્રેસ બંને પક્ષે પોતપોતાની રણનીતિ બનાવવામાં મશગુલ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી (Gujarat Bypolls)ની તારીખો હજુ સુધી જાહેર નથી થઈ, પરંતુ ભાજપ (BJP) અને કોંગ્રેસ બન્ને પક્ષો પોતાની રીતે રણનીતિ બનાવી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પાર્ટી સાથે છેડો ફાડીને કેસરિયો કરનારા નેતાઓને પાઠ ભણાવવા માટે તૈયારી કરી લીધી હોય તેમ લાગી રહ્યું છે.

આથી જે બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે, તેના પર કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં અગાઉથી જ વિધાનસભાના પ્રભારી અને સહપ્રભારી એ બેઠકો પર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ચૂક્યા છે.

હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં જિલ્લા સ્તરને કાર્યકારિણીની બેઠકો યોજાઈ રહી છે. જેમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પણ હાજર રહીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી રહ્યાં છે.

આ બેઠકો મારફતે વિધાનસભા વિસ્તારોમાં પાર્ટીની સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પાર્ટી કાર્યકર્તાને પણ ચૂંટણીની તૈયારીઓ માટે સક્રિય બનાવવામાં આવી રહ્યાં છે. આ વિધાનસભા બેઠકો માટે પાર્ટી એવા નેતાઓની શોધ કરી રહી છે, જે ચૂંટણીના મેદાનમાં ઉતરનારા ભાજપના ઉમેદવારોને કાંટાની ટક્કર આપી શકે.

આ માટે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કચ્છમાં માતાના મઢના દર્શન બાદ અહીં વિસ્તૃત કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. જેમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. જ્યારે આવી જ એક બેઠક શુક્રવારે મોરબી જિલ્લામાં પણ કરી હતી. જેમાં તેમણે કાર્યકર્તાઓનો મોંઘવારી, રોજગારી, કોરોના મામલે સરકારની નિષ્ફળતા, ખેડૂતોને અન્યાય જેવા પ્રશ્નો ઉઠાવવા પર ભાર મૂક્યો હતો. આ સાથે પેટાચૂંટણીમાં જીતવા માટેનો સંકલ્પ આપ્યો.

જ્યારે શનિવારે અમરેલી જિલ્લાના ધારીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. જેમાં અમિત ચાવડા ઉપરાંત પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નેતાઓએ પાર્ટી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત તેમણે કાર્યકર્તાઓને આગામી પેટાચૂંટણીની તૈયારીઓ કરવા માટે આહવાન કર્યું અને જીતનો સંકલ્પ અપાવ્યો હતો.

કચ્છ જિલ્લાની અબડાસા, બોટાદ જિલ્લાના ગઢડા, અમરેલીની ધારી, મોરબીની માળિયા-મિયાંણા, સુરેન્દ્રનગરની લીંબડી, વડોદરાની કરજણ, વલસાડ જિલ્લાની કપરાડા અને ડાંગ વિધાનસભા બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂટંણી યોજાવાની છે. આગામી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે.

(12:22 pm IST)