Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામ ટાઈ થઈ ગયા

સહકાર-સત્તાધારી પેનલ ૮-૮ બેઠક પર વિજયી : સુમુલ ડેરીનો ૪૫૦૦ કરોડ રૂપિયાનનો વહીવટ મેળવવા માટે ચૂંટણી યોજાઇ હતી જેનુ પરિણામ આવી ગયુ છે

અમદાવાદ, તા.૯ : સુમુલ ડેરીનો ૪૫૦૦ કરોડ રૂપિયાનનો વહીવટ મેળવવા માટે ચૂંટણી યોજાઇ હતી જેનુ પરિણામ આવી ગયુ છે. સહકાર પેનલ અને સત્તાધારી પેનલનો ૮-૮ બેઠક પર વિજય થયો છે. ભાજપની બંન્ને પેનલોમાં ટાઇ થઇ છે. જેથી હવે પાર્ટી લેવલે મેન્ડેટ આપીને પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવામાં આવશે. સહકાર પેનલનો ઓલપાડ, કામરેજ, મહુવા, વાલોડ, વ્યારા, ડોલવણ, ઉમરપાડા, પલસાણા બેઠક પર વિજય થયો છે. જ્યારે સત્તાધારી પેનલનો ચોર્યાસી, બારડોલી, માંડવી, કુકરમુંડા, નીઝર, ઉચ્છલ, માંગરોળ,સોનગઢ બેઠક પર વિજય થયો છે. મહત્વની વાત છે કે બારડોલી બેઠક પર ક્રોસ વોટિંગ થયુ હતુ અજીત પટેલે રાજેશ પટેલને ટેકો આપ્યો જેમા ક્રોસ વોટિંગ થતા રાજેશ પટેલ હાર્યા છે. માંગરોળ બેઠક પરથી ચેરમેન રાજુ પાઠકની જીત થઇ છે. મહત્વનું છે કે, રાજુ પાઠક ૮ વર્ષથી ચેરમેન પદે છે. ચોર્યાસી બેઠક પરથી સંદિપ પટેલનો વિજય થયો છે. તો માંગરોળ બેઠક પર રાજુ પાઠકની જીત થઈ છે.

             આ ચૂંટણીમાં ગણપત વસાવા અને રાજુ પાઠકનું ગ્રૃપ આમનેસામને હતું. સુમુલ ડેરીની બે બેઠકો બિનહરીફ જાહેર કરાઈ હતી. અને ૫ બેઠક પર સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું. જ્યારે ૯ બેઠકો પર ખરાખરીનો જંગ ખેલાયો હતો. આજે ૯ બેઠકોના પરિણામો પર સૌ કોઈની નજર હતી. કેમ કે આ ચૂંટણી માટે ગણપત વસાવા અને રાજૂ પાઠકનું ગ્રૃપ આમને સામને હતું. સુમુલ ડેરીનો ૪૫૦૦ કરોડ રૂપિયાનો વહીવટ મેળવવા માટે બંને જૂથ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો. ઓલપાડ બેઠક પરથી જયેશ પટેલનો, માંગરોળ બેઠક પર રાજુ પાઠકની જીત થઈ હતી. કામરેજ બેઠક પરથી બળવંત પટેલ જીત્યા હતા. તો બારડોલી બેઠક પર અજીત પટેલની જીત થઈ હતી. જ્યારે મહુવા બેઠક પરથી માનસિંઘ પટેલની જીત થઈ હતી.

            વાલોડ બેઠક પર નરેશ પટેલ વિજયી થયા. મહત્વનું છે કે, ઉચ્છલનાં સુનિલ ગામીત, વ્યારાના સિદ્ધાર્થ ચૌધરી, નિઝરના ભરત પટેલ, કુકરમુન્ડાના ભરત સૂર્યવંશી આ લોકો કૉંગ્રેસનાં છે પરંતુ પહેલાથી જ ભાજપની પેનલોના સમર્થનમાં આપ્યા છે. સુનિલ ગામીત હાલ નિઝરનાં કૉંગ્રેસના ધારાસભ્ય છે. નોંધનીય છે કે, ચૂંટણી પૂર્વે જ સુમુલના ૧૧ સિટીંગ ડિરેક્ટરોને પુનરાવર્તન કરવા માટે ભાજપ પ્રદેશ નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલે બંને જુથોના આગેવાનોને અલગથી બોલાવી સમાધાન કરવા સૂચન કર્યુ હતું. જેમાં ૧૧ સિટીંગ ડિરેક્ટરો સામે ઉભેલા ઉમેદવારોને ટેકો અપાવવા સૂચન કર્યુ હતુ. માત્ર ૫ બેઠકો પર જ ઉમેદવારોએ સિટીંગ ડિરેક્ટરોને ટેકો જાહેર કર્યો હતો. જોકે, સમાધાન છેલ્લાં દિવસે પોકળ સાબિત થયું હતું અને મોટા પ્રમાણમાં ક્રોસ વોટિંગની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આજે રાજુ પાઠક-માનસિહં જૂથનું રાજકીય માપ નીકળશે.

(7:51 pm IST)