Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

રાજપીપળા મિત ગ્રુપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ:૧૦૦ થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરાયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ૯ ઓગસ્ટ  દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી થાય છે જેની રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
 આ દિવસે રાજપીપળાના સેવાભાવી મિત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, સામાન્ય રીતે મીત ગ્રુપ દ્વારા કોઈ પણ જરૂરીયાત મંદને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે લોહી ની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય છે ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મિત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે હાલ કોરોના કાળ ની સ્થિતિ એ જરૂરીયાત મંદ લોકો માટે આશીર્વાદરૂપ કહી શકાય.

  રાજપીપળા ના મામલતદાર કચેરી પાસે નંદ ભીલ રાજાની પ્રતિમા પાસે આજે મિત્ર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં લગભગ ૧૦૦ થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મીત ગ્રુપ દ્વારા આ નવતર પહેલ કરવામાં આવી છે.

 આ બાબતે મિત ગ્રુપ ના યુવા સદસ્ય અજયભાઈ વસાવા એ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો આદિવાસી પછાત જિલ્લો છે હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે જિલ્લામાં લોહીની અછત વર્તાઈ રહી હોય માટે અમે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ રાખી એક જાગૃતતા અભિયાન ચલાવ્યું છે.ઉપરાંત અત્યાર સુધી જરૂરતમંદોને અમારા ગ્રુપ દ્વારા બે હજારથી વધુ યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે આજે બ્લડ ડોનેશન કેમ્પમાં મોટા પાયે લોકો એ બ્લડ ડોનેશન કરી એક ઉમદા કાર્ય કર્યું હતું.

(11:56 am IST)