Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

દુષ્કાળને દેશવટો :નર્મદા ડેમમાંથી રાજ્યના 160 ડેમો છલકાવી દેવાશે :400 જેટલા તળાવો ભરવામાં આવશે

બ્રાન્ચ કેનાલો,સુજલામ સુફલામ ,સૌની યોજનાના જળાશયો ભરી અપાશે :ખેતીવાડીશ અને પીવાના પાણીનું સંકટ દૂર

ગુજરાતમાં ફરી મેઘરાજા મહેરબાન થતાં અને નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે પહોંચતા ગુજરાતનું જળસંકટ એકઝાટકે દૂર થઇ ગયું છે. તેમાં પણ નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. સરકારે વીજળીનું ઉત્પાદન પણ ફરી શરૂ કર્યુ છે. બીજી તરફ નર્મદાના નીરથી રાજ્યના ઓછું પાણી ધરાવતા 160 જેટલા ડેમને છલકાવી દેવાશે. આથી ખેડૂતોને સિંચાઇ તેમજ પ્રજાજનોને પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે.

ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમના દરવાજા ખોલી તેમાંથી પાણી છોડવાનું શરૂ થતાં ગુજરાતનું જળસંકટ દૂર થઇ ગયું છે. ડેમના 88 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં અંદાજે 2700 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. જેનાથી સમગ્ર ગુજરાતને ચાલુ વર્ષ તો ઠીક આગામી કેટલાક વર્ષો સુધી પીવાના તેમજ સિંચાઇના પાણીનો લાભ મળતો રહેશે

 . ડેમમાં પાણીની સતત આવકને કારણે સરકાર દ્વારા ફરી વીજળીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષમાં પ્રથમ વખત રિવરબેડ પાવરહાઉસના 2 ટર્બાઇનમાંથી 400 મેગાવોટ વીજળી ઉતપન્ન થઈ રહી છે. તો કેનાલ હેડ પાવર હાઉસમાં 2 ટર્બાઇનમાંથી 100 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

 રાજ્યના અનેક વિસ્તારોમાં અનિયમિત વરસાદને પગલે હજુ પણ 160થી વધુ ડેમ કુલ ક્ષમતાના 50 ટકાથી પણ ઓછા ભરાયેલા છે. ત્યારે હવે નર્મદા ડેમમાંથી કેનાલમાં પાણી છોડી રાજ્યના અધૂરા ડેમ તેમજ અંદાજે 400 જેટલા તળાવોને છલકાવવામાં આવશે. પરિણામે જ્યાં વરસાદ ઓછો થયો છે તેવા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ઘણો જ ફાયદો થશે. ઉત્તર ગુજરાતના 400 જેટલા તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવશે. તો સૌની યોજના વડે સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમમાં પાણી પહોંચાડવાનું સરકારનું આયોજન છે. જેના કારણે ખાસ કરીને અછતવાળા વિસ્તારોમાં પાણી માટે ટળવળી રહેલા ખેડૂતોને સિંચાઇનું પૂરતું પાણી મળી રહેશે.

(8:38 pm IST)