Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ગુજરાતમાં દારૂબંધી છે અને રહેશે તેમાં કોઇ જ ફેરફાર કરાશે નહીઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટ, તા.૯: ગુજરાતની રૂપાણી સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે આ નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સંકલ્પ સે સિદ્વિ કી ઓર કાર્યક્રમ યોજાયો હતો. સુષ્મા સ્વરાજના નિધનને કારણે ગઇકાલે મુલતવી રખાયેલો કાર્યક્રમ ગઇકાલે યોજાયો હતો. જેમાં સંબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા ૩૭૦ની કલમ હટાવવાનો જે ઐતિહાસિક અને મોટો નિર્ણય કર્યો છે તેને હું અભિનંદન આપું છું. હાલમાં મોસાળમાં જમણવાર છે અને મા પીરસનાર તેથી ગુજરાતના ડેવલોપમેન્ટ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

તેઓએ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે અને રહેશે દારૂબંધીનો ખૂબ જ કડક રીતે અમલ થઇ રહ્યો છે. ગાંધીધામ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ દારૂબંધીનો ખૂબ જ કડકાઇથી અમલ કરાશે. હાર્દિક પટેલનું નામ બોલ્યા વગર મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેટલાક લોકોએ રાજકારણમાં આગળ વધવા માટેનો ટૂંકો રસ્તો અપનાવ્યો હતો. આવા લોકોએ જ્ઞાતિ-જાતિમાં ઝેર રેડીને સમાજની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ સરકારમાં બેઠેલા લોકો જાડી ચામડીના નથી. આ સરકાર સામાન્ય લોકોનું હિત ઇચ્છે છે અને ખૂબ જ સંવેદનશીલતાથી સરકારી તંત્ર કામગીરી કરી રહ્યું છે. ગુજરાતના નાગરિકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ એવું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

(4:23 pm IST)