Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

લેમીનેટેડ માર્કસીટ અને મધ્યસ્થ મૂલ્યાંકન પ્રથા શરૂ કરાવનાર ડો.અંબુભાઇ પટેલનો દેહવિલય

શિક્ષણ બોર્ડના પૂર્વ ચેરમેન અને હીરામણિ સ્કુલના ડીરેકટર અલવિદા

રાજકોટઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અમદાવાદ સ્થિત પૂર્વ ચેરમેન ડો. અંબુભાઇ પટેલનું ગઇકાલે ૮૧ વર્ષની વયે દુઃખદ અવસાન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. રાજયમાં શિક્ષણ બોર્ડના ચેરમેન વગેરે સ્થાનો પર તેમણે ઉલ્લ્ેખનીય કામગીરી કરેલ નિવૃતિ બાદ અમદાવાદની જાણીતી હીરામણિ સ્કુલમાં નિયામક તરીકે સેવા આપતા હતા રાજયમાં શિક્ષણ ક્ષેત્રે સુધારણા માટે તેમણે મહત્વનું યોગદાન આપેલ.

હીરામણિ શિક્ષણ સંકુલના વડાશ્રી નરહિર અમીને તેમને શિક્ષણ ક્ષેત્રે સમર્પિત મહાનુભાવ ગણાવી શ્રદ્ધાંજલી અર્પી છે.

અંબુભાઇએ ગુજરાત શૈક્ષણિક જગતમાં ઘણા સુધારા કર્યા હતા, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માર્કશીટ લેમિનેટેડ આપવાની શરૂઆત કરી હતી. પરીક્ષામાં બારકોડ સિસ્ટમ દાખલ કરી હતી. ધો.૧ર સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના પેપર બતાવવાની સિસ્ટમ દાખલ કરી હતી. શિક્ષકો દ્વારા બોર્ડના પેપર ચેક કરવા માટે મધ્યસ્થ મૂલ્યાકંન પ્રથા દાખલ કરી. પરીક્ષા કેન્દ્રોમાં વિડીયો રેકોર્ડિંગની પ્રથા પણ તેઓના સૂચનાથી ચાલુ કરવામાં આવી હતી. બોર્ડના પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ જે તે પરીક્ષા કેન્દ્રને ૧ કલાક પહેલા જ મળે તેવી વ્યવસ્થા કરી જેથી પેપર ફુટવાની સંભાવના ના રહે.

વર્ષ ર૦૦૦માં હીરામણિ સ્કુલ શરૂ કરવામાં તેઓનો સિંહફાળો રહેલો છે. તેઓના દુઃખદ અવસાનથી હીરામણિ અને ગુજરાત શિક્ષણ જગતમાંં ન પુરાય તેવી ખોટ પડી છે.તેઓના દુઃખદ અવસાનથી સમગ્ર હીરામણિ પરિવારે દુઃખની લાગણી વ્યકત કરે છે.

(1:15 pm IST)