Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

નર્મદા જિલ્લા કલેકટરે પૂર અંગે તાકીદની બેઠક બોલાવી તમામ વિભાગના અધિકારીઓ સાથે સ્થિતિની કરી સમીક્ષા

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે રાજપીપલા કલેકટરાલય ખાતે પોલીસ, મહેસુલ-ગ્રામ વિકાસ, પંચાયત, કૃષિ, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, નગરપાલિકા, માર્ગ અને મકાન, વન, વિજ અને કરજણ-નર્મદા ડેમ વિભાગ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે તાકીદની બેઠક યોજીને જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

  જિલ્લા વિકાસ અધિકારી ડો. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, પ્રાંત અધિકારીઓ  ડી.કે.ભગત,  ઋતુરાજ દેસાઇ,  દિપક બારીયા, જય બારોટ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ગીતાંજલી દેવમણી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી સી.એન.ચૌધરી, કાર્યપાલક ઇજનેર આઇ.વી.પટેલ અને શ્રી ડામોર, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉકત બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે જિલ્લામાં સંભંવિત ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિમાં ફ્લ્ડ કંટ્રોલરૂમ કે અન્ય કોઇપણ રીતે સંબંધિત વિભાગને લગતો કોઇ પણ સંદેશો મળે તુરત જ તેના પ્રતિભાવરૂપે પુરૂ લક્ષ કેળવીને જે તે વિભાગે કરવાની થતી કામગીરી તુરંત જ હાથ ધરાય તેની પૂરતી કાળજી રાખવાની તાકીદ કરી હતી

  . જિલ્લામાં થઇ રહેલા ભારે વરસાદ કે ભારે વરસાદથી  પરિસ્થિતિનો કયાસ-અંદાજ કેળવીને આગોતરી સાવચેતીરૂપે જિલ્લાની કરજણ-નર્મદા નદીઓને લીધે અસર પામનાર સંભંવિત જે તે ગામોમાં જે તે દિવસે મહેસુલી-પંચાયતના તલાટીઓ અથવા જવાબદાર કર્મચારી અવશ્ય દિવસ-રાત્રિ રોકાણ કરીને તાલુકાના તંત્રવાહકો સાથે સતત જીવંત સંપર્કમાં રહે તેવી વ્યવસ્થા સુનિશ્રિત કરી લેવાય તે જોવાની જરૂરિયાત પર પણ જિલ્લા કલેકટર પટેલે ખાસ ભાર મૂકયો હતો.    

  જિલ્લા કલેકટર આઇ.કે. પટેલે ભારે વરસાદ બાદ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને તુરત જ સર્વેક્ષણની કામગીરી હાથ ધરીને નુકશાનનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરીને જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ રજૂ કરવા ઉપરાંત જે તે વિભાગને જરૂરી મરામત-દુરસ્તી-મજબૂતીકરણ વગેરે જેવી કામગરી સત્વરે શકય તેટલી વહેલી હાથ ધરીને વાહનવ્યવહાર-લોકોની અવર જવર માટે માર્ગો ખૂલ્લા કરવા, વિજ પુરવઠો પુનઃકાર્યાન્વિત કરવો વગેરે જેવા પ્રયાસો કરવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

(7:51 pm IST)