Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સંસ્કૃતિના જતન માટે બધા પ્રયાસો જારી : નીતિન પટેલ

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીઃ તબીબી શિક્ષણના ક્ષેત્રે ૪૫૦૦ બેઠકો ઉપલબ્ધ કરાવાઈ

અમદાવાદ, તા. ૯: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને તેમની વૈવિધ્યસભર સંસ્કૃતિના જતન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું તું કે, રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૃઆત કરીને આદિવાસી સમાજના લોકોને આર્થિક રીતે ઉન્નત બનાવવાનું કામ કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં અગાઉ મેડિકલના ઉચ્ચ અભ્યાસ માટે એક હજાર જેટલી જૂજ બેઠકો હતી તેની સામે આજે બેઠકોમાં ઉત્તરોત્તર વધારો કરીને ૪૫૦૦ જેટલી મેડિકલ બેઠકો ઉપલબ્ધ બની છે જેના થકી આદિવાસી બાળકો તબીબી જ્ઞાન મેળવી રહ્યા છે. રાજ્ય સરકારના દીર્ધદ્રષ્ટીપૂર્ણ આયોજનને પરિણામે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ૮૦ હજારથી વધુ લોકો માટે નોકરીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનામતના ધોરણે આદિવાસી લોકોને નોકરી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, બાળકોને શહેરમાં અભ્યાસ માટે રહેણાંકની મુશ્કેલી ઉભી ન થાય તે માટે સમરસ છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવરચિત અરવલ્લી જિલ્લાનું નિર્માણ કર્યું છે જેના થકી આદિજાતિ તાલુકાઓના વિકાસને વેગ મળ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજ્જવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગર રુપે પ્રતિ વર્ષ ૯ ઓગ્સટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જાહેર કરાયો છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

 

(10:14 pm IST)