Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

બોરસદના ભાદરણમાં વીજ કરંટથી યુવકનું મોત નિપજતા ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ :તાલુકાના ભાદરણ ગામે આવેલા ફાર્મહાઉસમાં બાંધકામ દરમ્યાન એક શ્રમજીવી યુવકનું વીજ કરંટ લાગતાં થયેલા મોતના કેસમાં ભાદરણ પોલીસે કોન્ટ્રાક્ટર, ફાર્મ હાઉસના માલિક તેમજ ગેરકાયદેસર વીજ પુરવઠો પુરો પાડનાર એમ ત્રણ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૪મી તારીખના રોજ ભાદરણ-ગંભીરા રોડ ઉપર આવેલા વાલોસરા તલાવડી નજીકના અમીતાબેન દક્ષેશભાઈ ભટ્ટના ફાર્મહાઉસમાં બાંધકામ દરમ્યાન કાથી તેમજ ટેકો લેવા ગયેલા શ્રમજીવી અલ્કેશભાઈ કનુભાઈ બારીયા (ઉ. વ. ૨૨)ને વીજ કરંટ લાગતા તે તારની વાડ સાથે ચોંટી જવા પામ્યો હતો. અન્ય શ્રમજીવીઓએ લાકડાના ડંડા મારીને તેને છુટો પાડી તપાસ કરતા તે મરણ ગયો હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી આ અંગે ભાદરણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી. જેમાં બોરસદ જીઈબીના નાયબ ઈજનેર દ્વારા સ્થળ તપાસ કરતાં કનુભાઈ મણીભાઈ પટેલના ખેતરના બોરકુવા પરથી ગેરકાયદેસર રીતે વીજ પ્રવાહ લેવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતુ. જે અંગે કોન્ટ્રાક્ટર રઘુભાઈ પ્રજાપતિ તથા ફાર્મ માલિક અમીતાબેન દ્વારા નિષ્કાળજી દાખવતા શ્રમજીવી યુવાનનું વીજ કરંટ લાગતા મોત થયું હતુ. આ અંગે માનાભાઈ મનાભાઈ બારીયાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

(5:37 pm IST)