Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

શાપર ગોડાઉનમાં મગફળીમાં આગ લાગ્યાની ઘટનાની હજુ સુધી પોલીસ ફરીયાદ કેમ નહિ ?

મુખ્યમંત્રી ચૂપ કેમ ? જવાબ માંગતા કોંગી પ્રવકતા ડો. મનીષ દોશી

અમદાવાદ, તા. ૯ :. શાપર ગોડાઉનમાં આગ લાગ્યાને ૯૦ દિવસ કરતાં વધુ સમય થયો છતાં પોલીસ ફરીયાદ કેમ કરવામાં આવેલ નથી ? વાઈરલ ઓડિયોમાં જે અધિકારી, પદાધિકારીના નામનો ઉલ્લેખ કરાયો છે તે બાબતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ? ચાર હજાર કરોડના મગફળીકાંડની ન્યાયીક તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યુ હતું કે, ગાંધીધામ, ગોંડલ, શાપર (રાજકોટ) અને જામનગર ખાતે ગોડાઉનમાં આગના આજદિન સુધી એફએસએલના રીપોર્ટ કેમ આવ્યા નથી ? કૃષિ વિભાગની તપાસણીનો અહેવાલ કેમ આવ્યો નથી ? પોલીસ તપાસને આડે પાટે દોરવા માટે થઈને સીઆઈડી ક્રાઈમને જવાબદાર સોંપી પરંતુ અહેવાલ તપાસ કયાં છે ? ગોડાઉનમાં સંગ્રહાયેલ મગફળીના કોથળાઓમાં માટી, પથ્થર, કાંકરા હતા તેને મગફળી વેચાણના નામે વેચાણ કરીને નિકાલ કરવા માટે વેપારીઓને ડરાવી-ધમકાવીને મગફળી પાણીના ભાવે ખરીદવા મજબુર કર્યા. રૂ. ૧૩૫૦ની મગફળી રૂ. ૬૮૦ થી ૭૪૦ વચ્ચે વેચાય છે, એમા ટેન્ડર બહાર પાડયા કે બારોબાર વેચી તેની કોઈ સ્પષ્ટતા સરકારે કરી નથી. આમાં રૂ. ૬૦૦ તો ધાલખાધ આવે છે, એટલે રૂ. ૪૦૦૦ કરોડનું કૌભાંડ અને ૪૫ ટકા ભાવફેર એટલે રૂ. ૧૮૦૦ કરોડ તો સરકારની તિજોરીના ભાવફેરની અંદર જ ધોવાઈ ગયા. હવે રૂ. ૨૨૦૦ કરોડની મગફળી ૨૮૯ ગોડાઉનમાં સરકારી ચોપડે ભરેલી છે તે ગોડાઉનમાં મગફળી છે કે પથ્થર તેનુ સત્ય તો વેપારીઓ માલ ભરવા ગયા ત્યારે બહાર આવ્યું.

ભાજપના આગેવાનોએ મગફળીકાંડમાં અધુરી રહેલ મલાઈ તારવવા પુનઃ ખરીદ કેન્દ્રો શરૂ કર્યા ત્યારે નાફેડે મગફળી ખરીદીમાં થયેલ અનિયમિતતા અંગે રજૂ કરેલ અહેવાલ દેશની જનતા સમક્ષ રજૂ કરતા ભાજપ સરકાર શું કામ ડરે છે ? સરકાર ચાર હજાર કરોડના મગફળીકાંડની એક કેન્દ્ર પર તપાસ કરી ભ્રષ્ટાચારના આખા અધ્યાય પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી છે. આના તાર કયાંકને કયાંક મુખ્યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલા હોય તેમ જણાય છે. ગઈકાલે પ્રસિદ્ધ થયેલ ઓડીયો ટેપમાં જો મગન ઝાલાવડીયાનો જ અવાજ હોય તો વાઈરલ થયેલ ઓડીયોમાં જે મોટા માથાઓના નામનો ઉલ્લેખ કરાયો છે તે બાબતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ? તે ગુજરાતની જનતાનો સવાલ છે તેમ ડો. મનીષ દોશી જણાવે છે.

(3:45 pm IST)