Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

પાર્કિગ ઝોનમાં ગાડીઓ ઉપર બેસીને ઉપવાસ કરીશું, સરકાર અંગ્રેજ બની શકે, અમે ભગતસિંહ બનવા તૈયારઃ હાર્દિક પટેલ

રાજકોટ, તા., ૯: અમદાવાદમાં તા.રપ ઓગષ્ટના રોજ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા અનામત અને ખેડુતોના મુદ્દે આમરણાંત ઉપવાસ ઉપર બેસીને સરકારને પડકાર ફેંકનાર છે ત્યારે 'પાસ' ટીમ દ્વારા આમરણાંત ઉપવાસ માટે માંગેલ અમદાવાદ નિકોલ વિસ્તારના મેદાનને કોર્પોરેશને પાર્કીગ ઝોન તરીકે જાહેર કરતા ઉપવાસનું ગ્રાઉન્ડ છીનવાઇ ગયું છે.

આ અંગે પાસના કન્વીનર હાર્દિક પટેલે  અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે કોઇ પણ જગ્યાએ ઉપવાસ કરીને જ રહીશું. અમારા દ્વારા બે મહિના અગાઉથી મેદાનની માંગણી કરી દેવામાં આવી હતી. તેમ છતા કોર્પોરેશન તંત્ર દ્વારા પાર્કીગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે ઘર્ષણ થશે તો પણ ઉપવાસ-આંદોલન કરીશું. સરકાર અંગ્રેજ બની શકે છે. અમે ભગતસિંહ બનવા તૈયાર છીએ. જો જગ્યા નહિ આપે તો નિકોલના આ ગ્રાઉન્ડમાં પાર્કીગની જગ્યા ઉપર પાર્ક કરેલી ગાડીઓ ઉપર બેસીને પણ અમે ઉપવાસ કરીશું. પાટીદાર અનામત અને ખેડુતોના પ્રશ્ને લડવા-મરવા તૈયાર છીએ. (૪.૨૨)

(3:39 pm IST)