Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સિંગતેલના ભાવ સાત મહિનાની ટોચે

મગફળીના કૌભાંડ બાદ નાફેડે મગફળીની ડિલિવરી અટકાવતા ભાવ ઊંચકાયા

અમદાવાદ તા. ૯ : શ્રાવણ મહિના પહેલા જ સિંગતેલમાં ભાવ ભડકે બળવા લાગ્યાં છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન મગફળીનો બમ્પર પાક થયો હોવા છત્ત્।ા મગફળીની સરકારી ખરીદીમાં એક પછી એક કૌભાંડો બહાર આવતાં સિંગતેલની બજારમાં ભાવ સતત વધી રહ્યાં છે અને આજે સાત મહિનાની ઊંચી સપાટી જોવા મળી હતી.શહેરમાં સિંગતેલનાં નવા ડબ્બાનાં ભાવ પખવાડિયામાં રૂ. ૧૦૦થી પણ વધુ વધીને બુધવારે રૂ.૧૬૪૦થી ૧૬૬૦ની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં, જે જાન્યુઆરી મહિના બાદના સૌથી ઊંચા ભાવ હતાં.

સિંગતેલની તેજી વિશે એક બ્રોકરે જણાવ્યું હતું કે સરકારે ચાલુવર્ષે ખેડૂતો પાસેથી ૮.૩૦ લાખ ટન મગફળીની ખરીદી કરી હતી, જેમાંથી હજી બેથી અઢી લાખ ટન મગફળી બજારમાં ઠલવાય છે, એ સિવાયનો જથ્થો સરકારી ગોડાઉનમાં પડ્યો છે. હાલ નાફેડની મગફળીનાં વેચાણ ઉપર જ બજારો ચાલી રહી છે. જેતપૂરની ઘટના ગત સપ્તાહે બની ત્યાર બાદ નાફેડે મગફળીની ડિલીવરી એકદમ ધીમી કરી દીધી છે, જેને પગલે ખુલ્લા બજારમાં મગફળીની મોટી અછત જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સિંગતેલનાં ભાવ ભળકે બળવા લાગ્યાં છે.

સામાન્ય રીતે ગુજરાતમાં શાતમ-આઠમ દરમિયાન સિંગતેલનાં ભાવ વધતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે શ્રાવણ મહિનો હજી આવતા સપ્તાહે શરૂ થાય એ પહેલા જ બજારો વધવા લાગ્યાં છે.

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએસનનાં પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે અમે નાફેડનાં મેનેજિંગ ડિરેકટર સંજીવ ચઠ્ઠાને રજૂઆત કરી છેકે જે ઓઈલ મિલરોએ મગફળીની ખરીદી પેટે એડ્વાન્સ પૈસા આપી દીધા છે, જેતપૂરનાં પેઢલા ગોડાઉનમાં આશરે ૩૧ હજાર ગુણી મગફળીની એવી છે જેની તપાસ ચાલી રહી હોવાથી મિલરોને મગફળી મળતી નથી. અમારી માંગણી એવી છે કે આ મગફળીની ડિલીવરી બીજા ગોડાઉનમાંથી તુરંત આપવામાં આવે. વળી આજ જગ્યાએ બીજા ગોડાઉનમાં ૭૮ હજાર ગુણી મગફળીની પડી છે. હાલ મગફળીની મોટી તંગી જોવા મળી રહી છે.અમદાવાદ કાલુપુરનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે મગફળીની અછતને પગલે સિંગતેલનું ઉત્પાદન ઠપ્પ થવા લાગ્યું છે. આગામી દિવસોમાં સિંગતેલનાં ડબ્બાનો ભાવ વધીને રૂ. ૧૭૦૦ થાય તેવી સંભાવનાં છે.

સૌરાષ્ટ્રમાં અનેક ઓઈલ મિલો બંધ થવા લાગી

સૌરાષ્ટ્રમાં નાફેડ દ્વારા મગફળીની ડિલીવરી હાલ પૂરતી ધીમા પાડવામાં આવી છે. મિલરોએ સરકારી મગફળીની ખરીદી કરી છે તેની ડિલીવરી હાલ નાફેડનાં અધિકારીઓની હાજરીમાં જ આપવામાં આવે છે જે પહેલા અધિકારીઓ વગર અપાતી હતી. પરિણામે હાલ નાફેડ પાસે પુરતો સ્ટાફ ન હોવાથી તમામ સેન્ટરો ઉપર તેઓ પહોંચી શકતા નથી, જેને પગલે મિલોને પૈસા દીધા હોવા છત્તા મગફળી મળતી નથી. પરિણામે મિલો બંધ થવા લાગી છે. જો આવું એકાદ સપ્તાહ ચાલે તો સિંગતેલનાં ભાવ ન ધારેલા થઈ શકે છે તેમ એક અગ્રણી ઓઈલ મિલરે કહ્યું હતું.

(11:44 am IST)