Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કોંગ્રેસ ટૂંકમાં લોકસભાના ઉમેદવારના નામની પેનલ માટે કવાયત હાથ ધરશે

પ્રદેશ પ્રમુખ, વિપક્ષી નેતા, પ્રભારી વચ્ચે દિલ્હીમાં મડાગાંઠ ઉકેલવા બેઠક

અમદાવાદ તા. ૯ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા આગામી ટૂંક સમયમાં સંભવિત ઉમેદવારોની પસંદગી, પેનલ અને લોકસભા બેઠક દીઠ ઈન્ચાર્જની નિમણૂક કરવાની કવાયત હાથ ધરવામાં આવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ વચ્ચે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં જૂથબંધીને કારણે અટકી પડેલી સંગઠનના મહત્વના પદોની નિમણૂકની મડાગાંઠ ઉકેલવાની કસરત કરવામાં આવી હતી. ભાજપની કેન્દ્ર અને રાજય સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરેથી સૂચવેલાં વિવિધ કાર્યક્રમો આડે સંગઠનનું પુનર્ગઠન મુખ્ય અવરોધ હોવાથી આ કામગીરી ઝડપથી આટોપી લેવા માટે પ્રદેશના નેતાઓને તાકીદ કરાઈ છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોએ નવી દિલ્હીમાં પ્રભારીના નિવાસસ્થાને યોજાયેલી બેઠક અંગે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી આડે આઠેક મહિનાનો સમય બાકી છે ત્યારે પ્રદેશના નેતાઓ પાસેથી દરેક લોકસભા બેઠકની વિસ્તૃત માહિતી સાથેનો અહેવાલ માગવામાં આવ્યો હતો. આ અહેવાલને આધારે જ્ઞાતિ-જાતિ, કોંગ્રેસની સ્થિતિ, મતદારોનો મૂડ સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી. સાથોસાથ તાલુકા, જિલ્લા અને શહેર પ્રમુખ તથા પ્રદેશ માળખાંના પુનર્ગઠનમાં હોદ્દેદારોની નિમણૂકને લીલીઝંડી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, સંગઠનની નિમણૂકની સાથોસાથ લોકસભાના સંભવિત ઉમેદવારો નક્કી કરવા માટે લોકસભા બેઠક દીઠ ઈન્ચાર્જની નિમણૂક કરીને ત્રણ નામની પેનલ તૈયાર કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

 

પ્રભારી સાથેની બેઠકમાં કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરેથી આપેલાં કાર્યક્રમોનો અમલ કરવામાં ગુજરાતમાં દેખાઈ રહેલી સુસ્તી સામે પણ નારાજગી વ્યકત કરવામાં આવી છે. સંગઠનની નિમણૂક બાદ તરત જ જનસંપર્ક અભિયાન અંતર્ગત વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો આપવાની પણ તાકીદ કરાઈ છે.(૨૧.૭)

 

(11:42 am IST)