Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મગફળી કૌભાંડ : કોંગ્રેસ પર જીતુ વાઘાણીના તીવ્ર પ્રહારો

કોંગ્રેસના લોકો બળવો કરી રહ્યા છે : વાઘાણીઃ હવે નાફેડ ચેરમેન વાઘજીભાઈ મગફળીની ખરીદી અને ગોડાઉનની વ્યવસ્થાની જવાબદારીમાંથી છટકી શકે નહીં

અમદાવાદ,તા.૮: ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આજરોજ શ્રી કમલમ ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતા માંગણી કરી છે કે, નાફેડના ચેરમેન વાઘજી બોડા સામે મગફળી ખરીદી તેમજ ભેળસેળ અંગેની ગેરરીતી બાબતે ફોજદારી રાહે પગલા લેવા જોઇએ અને તેઓ કોંગ્રેસના આગેવાન હોય તેમજ કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડેલા હોય કોંગ્રેસ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માંગે છે કે કેમ ? તેનો કોંગ્રેસે ખુલાસો કરવો જોઇએ. મગનલાલ ઝાલાવાડીયા પણ કોંગ્રેસના આગેવાન છે જેમની પણ આ બાબતે ધરપકડ કરવામાં આવી છે તો તેમને પણ કોંગ્રેસ હજી સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ કેમ નથી કરતી ? કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા આ બાબતે જવાબ આપે. જીતુભાઇ વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, નાફેડના ચેરમેન તરીકે વાઘજીભાઇ બોડા મગફળીની ખરીદી અને ગોડાઉનની વ્યવસ્થાની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી. મગફળીની ખરીદીમાં કોઇ ગેરરીતી થઇ હોય તો કૃષિમંત્રીએ તથા સરકારી અધિકારીઓએ તેમને પગલા લેવા કહ્યું છતાંય વાઘજીભાઇએ કેમ પોલીસ ફરીયાદ કરી નહી ? મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી ગુજરાતની ભાજપા સરકારે તાત્કાલિક ધોરણે જવાબદારો સામે ફોજદારી ફરીયાદો કરીને કડક પગલા લીધા છે. અત્યાર સુધીમાં કુલ ૨૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા કોઇપણને સરકાર છાવરવા માંગતી નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગયા વર્ષે મગફળીનો મબલખ પાક થયો હતો ત્યારે મગફળીનો બજાર ભાવ ઘટીને ૬૦૦ રૃપિયા સુધી પહોચી ગયો હતો ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ ખેડૂતહિતનો ઐતિહાસિક નિર્ણય લઇ ૯૦૦ રૃપિયાના ભાવે ૯ લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. ત્યારે કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણાઓ ફેલાવી ખોટા આક્ષેપો દ્વારા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની સરકારે ગરીબ અને પછાત વર્ગો માટેના ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો મળે તે માટે સંસદમાં બીલ પાસ કર્યુ છે. જેનો ટુંક સમયમાં અમલ શરૃ થશે. આ તેમની પછાત વર્ગો માટેની નિષ્ઠા બતાવે છે. કોંગ્રેસ પક્ષની સરકારોને આ કેમ ક્યારેય સુઝ્યુ નહી ? તેનો જવાબ કોંગ્રેસ આપે. ગુજરાત ભાજપા આ નિર્ણય બદલ કેન્દ્રની ભાજપા સરકારને અભિનંદન આપીને વધાવે છે અને રાજ્યભરમાં ભાજપા દ્વારા તેની ઉજવણીઓ કરવામાં આવશે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં કોંગ્રેસ નેતૃત્વવિહોણી છે અને તેમના કાર્યક્રમોને પ્રજાનું સમર્થન મળતુ નથી. કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતી શકી નથી. કોંગ્રેસના આંતરિક ઝગડાઓ તરફથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે વિરોધપક્ષના નેતા ઉપવાસનું નાટક કરે છે પરંતુ તેમના પક્ષનું તેમને સમર્થન અને સહકાર મળતો નથી. જીલ્લા અને તાલુકાના સંગઠનમાં અને પંચાયતોમાં કોંગ્રેસના લોકો બળવો કરીને પાર્ટી છોડી રહ્યા છે. કોંગ્રેસમાં ઉકળતો ચરૃ છે ત્યારે લોકોનું ધ્યાન બીજે દોરવા નિષ્ફળ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે.

(10:30 pm IST)