Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

OBC આયોગને બંધારણીય દરજ્જો આપવા બદલ પ્રશંસા

વાઘાણીના નેતૃત્વમાં પ્રદેશ હોદ્દેદારોની બેઠક મળીઃ લોકસભાની ચૂંટણીને લઇને તૈયારી જારી છે : ભરત પંડ્યા

અમદાવાદ,તા.૮: ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આજરોજ ભાજપા કાર્યાલય કમલમ ખાતે  ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો અને મોરચાના પ્રમુખઓની બેઠક મળી હતી. જેમાં સંગઠનાત્મક અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં દરેક મોરચાના પ્રમુખઓએ મોરચા દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમો અને આગામી યોજનાર કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત લોકસભા અધ્યયન અને સંકલન સમિતિ લોકસભાની ચૂંટણી માટે બનાવી છે તે ટીમ દરેક લોકસભામાં મંડલસઃ પ્રવાસ કરી રહી છે અને ૧૫ ઓગષ્ટ સુધીમાં આ ટીમ પોતાનો પ્રવાસ પૂર્ણ કરશે. આજની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને રાષ્ટ્રીય ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપતું બીલ સંસદમાં પસાર કરાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીને મહિલા સુરક્ષા માટે અભયમ એપ બનાવવા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વૃક્ષા રોપણ, નિદાન કેમ્પ તેમજ રક્ષાબંધન અને ૯ ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અનૂસૂચિત જનજાતિ મોરચા દ્વારા મંડલસઃ પ્રકૃતિ અને સંસ્કૃતિ પૂજનના કાર્યક્રમો યોજાશે. તારીખ ૧૮-૧૯ ઓગષ્ટના રોજ કેન્દ્રિય ભાજપા કારોબારી બાદ ગુજરાત ભાજપાની કારોબારી તારીખ ૨૪-૨૫ ઓગષ્ટના રોજ સુરત ખાતે યોજાનાર છે તેની પૂર્વ તૈયારી  માટે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દરમિયાન આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપા ઓબીસી મોરચાના અધ્યક્ષ દિનેશભાઇ અનાવાડીયાની અધ્યક્ષતામાં ઉત્તર ઝોનની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તથા ઉપાધ્યાક્ષ આઇ.કે.જાડેજાએ ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ.આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવા માટેની વર્ષો જુની માંગણી પૂરી કરી લોકસભા તેમજ રાજ્યસભામાં આ બીલ પસાર કરી ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપ્યો તેથી તેમને અભિનંદન આપતો ઠરાવ આ બેઠકમાં પસાર કરેલ હતો તેમજ ઓબીસી સમાજના ઘર-ઘર સુધી આ સંદેશ પહોચાડવા માટે ભાજપાના કાર્યકર્તાઓને આહવાન કર્યુ હતુ. ઓબીસી સમાજને કોંગ્રેસે વર્ષો સુધી અન્યાય કરી ઓબીસી આયોગને બંધારણીય દરજ્જાથી વંચિત રાખ્યા હતા. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકારે ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો અપાવી ઓબીસી સમાજને ન્યાય અપાવ્યો છે. બેઠકમાં નક્કી થયેલ કાર્યક્રમો મુજબ ભાજપાના ઓબીસી મોરચા દ્વારા ભાજપાની કેન્દ્ર તથા રાજ્ય સરકારની ઓબીસી સમાજના ઉત્કર્ષ માટેની યોજનાઓનો પ્રચાર બુથ સુધીના ઓબીસી સમાજના લોકો સુધી પહોચાડી લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે કાર્યકર્તા મધ્યસ્થી બની કાર્ય કરશે.

(10:26 pm IST)