Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કાલે 'વિશ્વ આદિવાસી દિવસ' મુખ્યમંત્રી વિજયભાઈની અધ્યક્ષતામાં નિઝરમાં જિલ્લા કક્ષાના ''વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી કરાશે

સુરત:આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસરૂપે તા.૯મી ઓગસ્ટનેવિશ્વ આદિવાસી દિવસતરીકે જાહેર કરાયો છે . જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાં ૯મી ઓગસ્ટના રોજ આદિવાસી દિનની ઉજવણી કરવાનું નિર્ધારિત કરાયું છે, જેના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના નિઝર ખાતે આર.જી. પટેલ શાળાની પાસેના મેદાનમાં જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરાશે .

  ઉજવણીના સ્થળે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એન.કે.ડામોર દ્વારા રિહર્સલ અને તૈયારીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી તમામ પાસાઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર સમગ્ર કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

   આદિવાસી સાંસ્કૃત્તિક કલામંડળો પરંપરાગત આદિવાસી નૃત્યો, વેશભૂષા અને વાદ્યોની સંગીતમય સૂરાવલીઓ છેડીને મુખ્યમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કરશે. ઉજવણીના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા નૃત્ય સહિત વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ પણ આ વેળાએ માણવા મળશે

તાપી જિલ્લાના આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ, પ્રગતિશીલ ખેડૂતો, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સમાં ઝળકેલા ખેલાડીઓ, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા અગ્રગણ્ય નાગરિકોનું મુખ્યમંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોના ચેકો, અધિકારપત્રો તથા કીટનું વિતરણ કરાશે.
આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, વન અને પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 

(12:13 am IST)