Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદમાં ટ્રાફિક, રસ્તા અને રખડતા પશુઓના કેસનો અંતિમ ચૂકાદો આપવાની તૈયારીમાં છે ત્યારે કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે અચાનક ૪૮ જગ્‍યાઅે પાર્કીંગ ઝોનનો પ્લાન તૈયાર કરી દીધો

અમદાવાદઃ પાછલા એક વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા શહેરના ટ્રાફિક, રસ્તા અને રખડતા ઢોર અંગેના કેસમાં જ્યારે HC પોતાનો અંતિમ ચુકાદો આપવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે અચનાક કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ વિભાગને કંઈક યાદ આવ્યું હોય તેમ રાતોરાત શહેરમાં 48 જેટલી જગ્યાએ પાર્કિંગ ઝોનનો પ્લાન તૈયાર થઈ ગયો છે.

કોર્ટે ખડેપગ રાખતા AMCનો એક રાતમાં મેગા પ્લાન તૈયાર

કોર્ટે આકરા શબ્દોમાં પૂછતા કે શહેરની ટ્રાફિક સમસ્યાનું કોઈ અંતિમ સોલ્યુશન છે કે નહીં તેના જવાબમાં કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ વિભાગે શહેરમાં 5 જગ્યાએ મલ્ટિલેવલ પાર્કિંગ ફેસિલિટી બિલ્ડિંગ અને 48 જેટલી જગ્યાએ પાર્કિંગ પ્લોટ માટે ખાસ ઝોન તૈયાર કરવાનો પ્લાન તૈયાર કરી દીધો છે. કોર્પોરેશનના કહેવા મુજબ આ પાર્કિંગ ફેસેલિટિઝ આશરે 20,984 ટૂવ્હિલર્સ અને 3,271 ફોરવ્હિલર્સને પાર્ક કરવાની સુવિધા આપશે.

અધિકારીઓએ કહ્યું કે, ‘48 પાર્કિંગપ્લોટ હાલમાં રહેલા 25 જેટલા પાર્કિંગ પ્લોટથી અલગ છે. હાલ આ 25 પાર્કિંગ પ્લોટમાં 11,792 ટૂ વ્હિલર્સ અને 2020 ફોર વ્હિલર્સ પાર્ક કરવાની સુવિધા છે. હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું કે AMCએ ટોકન દરે આ પાર્કિંગ પ્લોટમાં પાર્ક વાહન પાર્ક કરવાની ફેસિલિટિ શરુ કરી દીધી છે.તો આ ઉપરાંત કોર્પોરેશને શહેરના 21 ફ્લાયઓવર્સની નીચે પણ પાર્કિંગ ઝોન બનાવી દીધા છે.

શહેરમાં રસ્તાઓને ગેરકાયદે પાર્ક થયેલા વાહનોની જાળમાંથી મુક્તી અપાવવા માટે ટ્રાફિક વિભાગ સાથે મળીને AMCએ શરુ કરેલી મેગા ડ્રાઈવ બાદ કહ્યું કે, ટ્રાફિક વિભાગ સાથે મળીને ભવિષ્યમાં ઓન રોડ પાર્કિંગની સુવિધા અંગે પણ કોર્પોરેશન નક્કર દિશામાં આયોજન કરશે. પાર્કિંગના અંગેના AMCના પ્લાન સાંભળ્યા બાદ હાઈકોર્ટે ટકોર કરી હતી કે પાર્કિંગ માટે કોર્પોરેશને વધુ ચાર્જ રાખવો જોઈએ નહીં.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પાર્કિંગ સ્પેસમાં સોસાયટી દ્વારા બિલ્ડિંગ, દુકાન બનાવી દેવા જેવી ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, પાછળથી આ ગેરકાયદેસર બાંધકામને ગુજરાત રેગ્યુલાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલોપમેન્ટ એક્ટ હેઠળ કાયદેસર બનાવાય છે જે ખોટું છે. શહેરમાં મોટાભાગની પાર્કિંગ સ્પેસનું બાંધકામ કાયદેસર કરવામાં આવ્યું છે માટે આવી પરમિશનની ફેર તપાસણી થવી જરુરી છે.

તેમજ જે સોસાયટી અને બિલ્ડિંગે પોતાની પાર્કિંગ જગ્યાઓમાં બાંધકામ કરી લીધું છે તેને નોટિસ પણ પાઠવવી જોઈએ. તો આ ઉપરાંત AMCએ રસ્તા પર ટ્રાફિક ઓછો કરવાની નેમ સાથે માસ ટ્રાન્સપોર્ટ સુવિધા AMTS અને BRTSની બસ વધારવા તેમજ તેના ડ્રાઇવર્સને ટ્રેનિંગ દેવાનો પોતાનો પ્લાન પણ કોર્ટને જણાવ્યો હતો.

જ્યારે રખડતા ભટકતા પશુઓ અંગે હાઈકોર્ટે ફરી એકવાર ટકોર કરતા કહ્યું કે આવા રસ્તે રઝડતા પશુઓ માટે એક શેલ્ટર હોમ બનાવી તેમાં તેમની દેખભાળ કરવી જોઈએ. જ્યારે કોર્પોરેશને કોર્ટના જૂના આદેશ કે દરેક પશુઓ પર તેમના માલિકના નામ દર્શાવતો ટેગ મારવામાં આવે અંગે જણાવ્યું કે ટેગિંગનું કામ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે. કોર્ટ દ્વારા આ કેસમાં ફાઇનલ ચુકાદો બુધવારે આવી શકે છે.

(6:43 pm IST)