Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અમદાવાદની ૧૨ વર્ષની ઇશા મજીઠિયાઅે રામાયણના સુંદરકાંડ આધારીત ચિત્રોની અેક શૃંખલા પ્રદર્શિત કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં પોતાનું નામ નોંધાવ્યુ

અમદાવાદઃ આજના સમયમાં મોટાભાગના બાળકો મોબાઈલ, ટીવી કે ગેમ્સ રમવામાં પોતાનો બહુમૂલ્ય સમય વ્યર્થ કરતાં હોય છે. પરંતુ અમદાવાદમાં રહેતી માત્ર 12 વર્ષની ઈશા મજીઠિયાએ રામાયણના સુંદરકાંડ આધારિત ચિત્રોની એક શૃંખલા પ્રદર્શિત કરીને ઈંડિયા બુક ઓફ રેકોર્ડ્સ-2018માં પોતાનું નામ નોંધાવ્યું છે.

સુંદરકાંડના પાંચમા અધ્યાયમાં 35 ચિત્રોની મદદથી સુંદરકાંડની ચોપાઈઓને દર્શાવાઈ છે. આ ચોપાઈઓને કાગળ પર એક્રેલિક રંગ, ક્રેયોન અને ચારકોલ દ્વારા ચિત્રોનું રૂપ અપાયું છે. આ દેશની પ્રથમ એવી ચિત્રકળા છે જે ચિત્રોના માધ્યમથી શાસ્ત્રોને દર્શાવે છે.

ઈશાએ ઓક્ટોબર 2012 આ ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી. એ વર્ષે તેની ઉંમર માત્ર 6 વર્ષ હતી. ઈશાએ આ ચિત્રો માર્ચ 2016માં પૂરા કર્યા, એ વખતે તેની ઉંમર 10 વર્ષ હતી. 2016માં અમદાવાદમાં આ ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ દરમિયાન જ ઈશાના કામ આધારિત એક પુસ્તકનું પણ વિમોચન થયું હતું.

ઈશાની મમ્મી પ્રિયા મજીઠિયાનું કહેવું છે કે, “આ પુસ્તકનો ઉદ્દેશ બાળકોને આપણા પ્રાચીન પવિત્ર ગ્રંથોના પ્રચાર અને સંરક્ષણમાં સામેલ કરવાનો છે.આ પુસ્તકમાં પ્રિયા દ્વારા સંકલિત કરવામાં આવેલા તમામ ફોટોગ્રાફ્સ પણ છે. પુસ્તકમાં સુંદરકાંડનો મૂળ પાઠ છે અને આનો અનુવાદ ત્રણ ભાષા- ગુજરાતી, હિંદી અને ઈંગ્લિશમાં કરવામાં આવ્યો છે.

(6:42 pm IST)