Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સુરત જિલ્લાના કડોદરા પાલિકા વિસ્‍તારના સક્રિય કોંગી જિલ્લા મંત્રીનું રાજીનામુઃ કોંગ્રેસની કારોબારી સમયે જ રાજીનામુ ધરી દેતા રાજકીય ગરમાવો

સુરતઃ સુરત જિલ્લાની કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સક્રિય એવા જિલ્લા કોંગ્રેસનાં વેપારી એસોસિએશનના ચેરમેન અને સુરત જિલ્લા કોંગ્રેસનાં મંત્રી જીજ્ઞેશ સન્મુખલાલ મોદી કોંગ્રેસનાં સક્રિય કાર્યકર છે. નાના મોટા કાર્યક્રમોમાં સમગ્ર વિસ્તારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં કડોદરા નગરપાલિકા વિસ્તારમાં તેમના નિવાસસ્થાન  મોદી ફળિયાની પાછળ આવેલ એક પ્લોટ બાબતે કડોદરા નગરના ભાજપના કોશાધ્યક્ષ ભગવાનસિંગ ચૌધરી સાથે ખેંચતાણ થઈ હતી જેમાં ભગવાનસિંગ ચૌધરી દ્વારા મોદી ફળિયાની મહિલાઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતા જેને લઈ મામલો કડોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. આ બાબતે કોંગ્રેસના અગ્રણી જીજ્ઞેશ મોદી વિરુધ્ધ ગંભીર આક્ષેપ સાથે કડોદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જે કાર્યવાહી બાદ જીજ્ઞેશ મોદીના પડખે નગર કોંગ્રેસનાં આગેવાનો કે અન્ય કોંગ્રેસી નેતાઓ રહ્યા ન હતા. એક તરફ પલસાણામાં કોંગ્રેસની કારોબારીની બેઠક ચાલતી હતી તો બીજી તરફ જીજ્ઞેશ મોદીને કડોદરા પોલીસે અટકાયત કરી મામલતદારમાં રજૂ કર્યા હતા, આવા સમયે પણ કોંગ્રેસનાં કોઈ કાર્યકરો તેમની સાથે હાજર રહ્યા ન હતા જે બાબતથી નારાજ થઈ જીજ્ઞેશ મોદીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ કનાજને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. છેલ્લા સાત વર્ષથી તેઓ વિવિધ હોદ્દાઓ ઉપર સેવાઓ આપતા આવ્યા છે. હાલના સંજોગો જોતાં દરેક હોદ્દા ઉપરથી સ્વૈચ્છીક રાજીનામું આપું છું આ પ્રકારના ઉલ્લેખ સાથે તેમણે રાજીનામું સોસિયલમીડિયા દ્વારા મોકલી આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

(6:53 pm IST)