Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વલસાડ જિલ્લાના ઉંમરગાવ તાલુકાના દરિયા કિનારે કેમિકલ મળતા હજારો માછીમાર પરિવારો મુશ્કેલીમાં: ૧૧ ગામોના માછીમાર પરિવાર દ્વારા કેમિકલયુક્ત પાણી નદી નાળામાં છોડવામાં આવતુ હોવાનો આક્ષેપ

વલસાડઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરીયા કિનારે દરીયામાંથી ટાર બોલ અને અન્ય કેમિકલ મળી આવતા માછીમારી કરતા હજારો પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. નારગોલ અને આસપાસના 11 ગામોમાં માછીમારી કરતા હજારો પરિવારને હાલ રોજગારીનો પ્રશ્ન સતવી રહ્યો છે. 
ત્યારે માછીમારોની રજૂઆત બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ કેમિકલના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના વાપી, ઉમરગામ, સરીગામ અને ભીલાડ જીઆઈડીસી જેવા અનેક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી નદી નાળામાં છોડવમાં આવતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. 
ત્યારે ચોમાસા દરમિયાન આ તમામ કેમિકલ કચરો દરીયામાં ભળી જાય છે અને દરીયાકાંઠે તે જોવા મળે છે. વળી ઉમરગામ તાલુકાના કલાઈ ગામથી નારગોલ સુધી પથરાયેલા દરિયા કિનારામાં સ્થાનિકો માછીમારી કરે છે. પરંતુ દરીયા કિનારે છેલ્લા એક દશકથી આ રીતે કેમિકલયુક્ત પાણી આવતા માછલીઓના પણ મોટા પ્રમાણમાં મોત થયા છે.
આ સમય માછલીઓનો બ્રિડીંગ સમય હોય છે અને બીજી તરફ માછલીઓના મોત થતા માછીમારોને મોટા પ્રમાણમાં ફટકો પડયો છે. વાત એટલાથી જ પૂરી નથી થતી.
નારગોલ બીચ પર આવતા પ્રવાસીઓ પણ આ પ્રદૂષણના કારણે આવતા નથી. ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની શૂન્ય કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. ત્યારે સ્થાનિક માછીમારોની માગ છે કે, જવાબદાર સામે કાયદકીય પગલાં લેવામાં આવે.

(6:41 pm IST)