Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કોરોના અને રિયલ એસ્ટેટમાં મંદી શ્રી સિધ્ધિ ગ્રૃપના બિલ્ડરને ભારે પડી : જગતપુર ક્રોસિંગ ફલાયઓવરનું ઠેકાણું પડતું નથી

25 ટકા કોસ્ટ કોન્ટ્રીબ્યુશન અંદાજે 12.50 કરોડ જેટલી રકમ આપવાની ના પાડી દીધી: હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ભોગવવો પડશે

અમદાવાદ:મનપા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મંજુર કરેલો જગતપુર ક્રોસિંગ ફલાયઓવરનું ઠેકાણું પડતું નથી,મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 2017-18માં જગતપુર રેલવે ક્રોસિંગ ફ્લાયઓવર મંજુર કરાયો હતો જેનો કુલ ખર્ચ રૂ. 50 કરોડ હતો જે પૈકી 25 ટકા કોસ્ટ કોન્ટ્રીબ્યુશન આપવાની શ્રી સિધ્ધિ ગ્રૃપે તૈયારી દર્શાવી હતી પણ પછી કોરોનાના કારણે રિયલ એસ્ટેટમાં મંદી આવી હતી.

હવે સિધ્ધિ ગ્રુપના બિલ્ડર દ્વારા ત્રણ વાર પત્ર લખી 25 ટકા રકમ એટલે કે, અંદાજે 12.50 કરોડ જેટલી રકમ આપવાની ના પાડી દીધી છે જેથી આ 25 ટકા ખર્ચ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ભોગવવો પડશે. આ અંગેની દરખાસ્ત આજે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં મૂકાઇ હતી પણ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીએ આ દરખાસ્ત ઉપર નિર્ણય લેવાને બદલે કમિશનરને પરત મોકલી દીધી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રેલવે ક્રોસિંગ મુક્ત અમદાવાદની ઝુંબેશના ભાગરૂપે શહેરના તમામ રેલવે ક્રોસિંગ ઉપર અંડરપાસ કે ફ્લાયઓવર બનાવવાનું આયોજન કરાયું હતું. અમદાવાદ મ્યુનિ.ના ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા ખોડિયાર રેલવે લાઇન સેક્શન ઉપર આવેલા જગતપુર ક્રોસિંગ ઉપર ફ્લાયઓવર બનાવવાનું નક્કી કરાયું છે.

વર્ષ 2017-18માં જગતપુર રેલવે ક્રોસિંગ ફ્લાયઓવર મંજુર કરાયો હતો જેનો ખર્ચ રૂ.50 કરોડ મંજુર કરાયો હતો. જે પૈકી 50 ટકા જેટલી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવાની હતી જ્યારે 25 ટકા રકમનો ખર્ચ રેલવે આપવાની હતી. 25 ટકા કોસ્ટ કોન્ટ્રીબ્યુશન માટે શ્રી સિધ્ધિ ગ્રૃપે તૈયારી દર્શાવી હતી પછી તેઓએ કોરોનાની મહામારીના કારણે આ આર્થિક જવાબદારી ઉપાડવાની ના કહી દીધી હતી. હવે આ ખર્ચ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ભોગવવો પડશે.

(12:40 am IST)