Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અમદાવાદમાં રથયાત્રા રૂટ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ : વૈકલ્પિક રૂટ અપાયા : કેટલાક વિસ્તારો નો પાર્કિંગ ઝોન જાહેર

જો કોઈ પણ વ્યકિત કફર્યૂમાં બહાર નીકળશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે

અમદાવાદ :અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેને લઈ શહેર પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાના રુટ પર કફર્યૂ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, જો કોઈ પણ વ્યકિત કફર્યૂમાં બહાર નીકળશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન નો ડ્રોન ફ્લાય ઝોન, કર્ફ્યૂ હેઠળના વિસ્તારમાં વાહન પ્રતિબંધિત કરાયા છે અને કેટલાક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે તેના પણ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.

રથયાત્રાના દિવસે સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધી શહેરના ગાયકવાડ હવેલી,ખાડિયા,દરિયાપુર,શહેર કોટડા,શાહપુર,કારંજ,દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સંતોષીનગર પોલીસચોકી, કાગડાપીઠ વિસ્તારમાં બહેરામપુરા અને એસટી ચોકી વિસ્તારમાં તેમજ માધવપુરામાં ઈદગાહ ચોકી, પ્રેમ દરવાજા અને શાહપુર દરવાજા બહાર ચોકી વિસ્તારમાં ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમા કર્ફ્યૂ રહેશે. જ્યાં આ સમય દરમ્યાન કોઈ વ્યક્તિ બહાર નીકળી નહીં શકે. માત્ર પોલીસ, ઇમરજન્સી સેવા, કોર્ટ કચેરીના કામે આવતા કર્મચારીઓ, રેલવે સ્ટેશનમાં અને એરપોર્ટ પર જવાવાળા લોકોએ પણ ટિકિટ બતાવવાની રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે રથને મંદિરના પરિસરમાં જ ફેરવવામાં આવ્યા હતો. જો કે, આ વખતે કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા રથયાત્રા નીકાળવાની મંજૂરી આપી છે. જે રૂટ પરથી રથ નીકળશે તે તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવશે. માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત ફરશે અને રથયાત્રા સંપન્ન થશે. ભગવાનની રથયાત્રાનો પ્રસાદ ગુરૂપૂર્ણિમા સુધી વહેંચવામાં આવશે.

અમદાવાદમાં કોરોના કાળમાં ભગવાન જગન્નાથની બીજી રથયાત્રા યોજાશે. જો કે, ગત વર્ષે ભગવાનના રથ મંદિરના પરિસરમાં જ ફર્યા હતા. ત્યારે આ વર્ષે કોરોનાના કેસો ઓછા થતા સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રા યોજવા માટેની પરવાનગી આપી છે. જે રૂટ પરથી રથ નીકળશે તે તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવશે. જેના કારણે ભક્તો રથયાત્રામાં નહિ જોડાય અને મોસાળ સરસપુરમાં દર વર્ષે થતો 1 લાખ કરતાં વધુ ભક્તોનો જમણવાર પણ યોજાશે નહિં. સરસપુર ખાતે ભગવાન જગન્નાથના મોસાળમાં જયારે પણ રથ પહોંચે છે ત્યારે રથમાં જોડાયેલા તમામ લોકોને સરસપુરની જુદી જુદી પોળમાં જમણવાર રાખવામાં આવે છે. એક અઠવાડિયા પહેલાથી જ તમામ પ્રકારની તૈયારીઓ શરુ કરી દેવામાં આવતી હોય છે. પરતું આ વખતે જમણવાર નહિં યોજાય.

(10:55 pm IST)