Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

તમામ ન્યાયિક તથા અર્ધન્યાયિક ફોરમના ચુકાદાઓ સંદર્ભે આનુષાંગિક કાર્યવાહી કરવા સરકારની તાકીદ

કાર્યવાહીના વિલંબ બાબતે સંબંધિત જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે

કોર્ટ કેસની ફાઇલોને અગ્રતાના ધોરણે હાથ ધરવાની સૂચનાઓનું ચુસ્તપણે પાલન નહીં થતું હોવાના કારણે સરકારની અપીલો કાઢી નાંખવામાં આવે છે અથવા તો દંડાત્મક કાર્યવાહીના હુક્મો થાય છે. જેથી રાજયના મહેસુલ વિભાગ દ્વારા સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તમામ જિલ્લા કલેકટરોને સૂચના આપવામાં આવી છે. તેની સાથે કોર્ટ તથા અન્ય તમામ ન્યાયિક અને અર્ધન્યાયિક ફોરમ દ્વારા આપવામાં આવતાં ચુકાદાઓ સંદર્ભે નિયત સમયમર્યાદામાં આનુષાંગિક કાર્યવાહી ન કરવાની પરિસ્થિતિમાં સઘળી જવાબદારી જે તે અધિકારી કે કર્મચારીની રહેશે તથા કાર્યવાહીના વિલંબ બાબતે સંબંધિત જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી છે.

રાજયના મહેસુલ વિભાગ દ્વારા જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, કાયદા વિભાગ દ્વારા જુદા જુદા તબક્કે અપીલ દાખલ કરવા માટે સમયમર્યાદા નિયત કરવામાં આવી છે. આ બાબતો માટે નોડલ ઓફીસરની નિમણૂંક કરીને અદાલતી પ્રકરણોમાં યોગ્ય દેખરેખ થાય તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. કોર્ટમાં દાખલ થતાં કેસોમાં હાથ ધરવાની કાર્યવાહી અંગે વિધિસરની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

વધુમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવને ટાંકીને જણાવ્યું છે કે, કોર્ટ કેસની ફાઇલો ટોચ અગ્રતાના ધોરણે હાથ ધરવાની સૂચનાઓ આપવામાં આવી છે તથા કોર્ટ કેસને લગતી ફાઇલ કાર્યવાહી કર્યા વગર પડતર રહે તો તેવી બાબતને ગંભીર ગણી સંબંધિતો સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવાનું પણ ઠરાવેલુ છે. તેમ છતાં આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું નથી. પરિણામે અપીલ કરવાપાત્ર કેસોમાં વિલંબના કારણોસર અપીલનો નિકાલ કરવામાં આવે છે. તેના કારણે સરકારને નાણાંકીય નુકસાન ઉપરાંત અન્ય કાયદાકીય પ્રશ્નોનો સામનો કરવો પડે છે.

તાજેતરમાં જ અમૂક કિસ્સાઓમાં સુપ્રિમ કોર્ટ દ્વારા વિલંબના કારણોસર સરકારની અપીલોને કાઢી નાંખવામાં આવે છે તથા દંડાત્મક કાર્યવાહીના હુક્મ પણ કરવામાં આવ્યા છે. આથી સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તમામ જિલ્લા કલેકટરોને સૂચના આપવામાં આવી છે. કોર્ટ તથા અન્ય તમામ ન્યાયિક તથા અર્ધન્યાયિક ફોરમ દ્વારા આપવામાં આવતાં ચુકાદાઓ સંદર્ભે નિયત સમયમર્યાદામાં આનુષાંગિક કાર્યવાહી ન કરવાની પરિસ્થિતિમાં તમામ જવાબદારી જે તે અધિકારી-કર્મચારીની રહેશે. તેમની સામે કાર્યવાહીમાં વિલંબ બાબતે શિસ્તવિષયક કાર્યવાહી પણ કરવામાં આવશે.

(10:22 pm IST)