Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રથયાત્રામાં ભગવાનના રથ સાથે મહત્તમ પાંચ વાહનો જ રાખી શકાશે:રથ ખેંચવા માટે પ્રતિ રથ મહત્તમ 20 ખલાસીઓ રહેશે

પોલીસ વડા આશિષ ભાટિયાએ સરકારની ગાઇડલાઇનના પાલન તથા સુરક્ષા વ્યવસ્થા રાખવા અંગે જરૂરી સૂચનાઓ આપી

અમદાવાદમાં રથયાત્રા કાઢવા માટે સરકારે પરવાનગી અપાઈ છે,ત્યારે પોલીસ વડા આશિષ ભાટિયાએ સરકારની ગાઇડલાઇનના પાલન તથા સુરક્ષા વ્યવસ્થા રાખવા અંગે જરૂરી સૂચનાઓ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપી હતી. રથયાત્રામાં ભગવાનના રથ સાથે મહત્તમ પાંચ વાહનો જ રાખી શકાશે. રથ ખેંચવા માટે પણ પ્રતિ રથ મહત્તમ 20 ખલાસીઓ રહેશે. તેમણે કહ્યુ હતુ કે રથયાત્રા દરમ્યાન કે રથયાત્રા બાદની કોઇ વિધિમાં પણ નિયત સંખ્યા કરતા વધુ લોકો હાજર ન રહે તે આયોજકો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે

હાલ જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આજે પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી અને 7 વાગ્યે મુખ્યમંત્રી વિજય રુપાણી પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારે રથયાત્રાના રુટ પર પોલીસવડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, તમામ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓએ મળી 50 ગાડીના કાફલા સાથે નિરીક્ષણ કર્યું.

અમદાવાદમાં કોરોના કાળમાં ભગવાન જગન્નાથની બીજી રથયાત્રા યોજાશે. જો કે, ગત વર્ષે ભગવાનના રથ મંદિરના પરિસરમાં જ ફર્યા હતા. ત્યારે આ વર્ષે કોરોનાના કેસો ઓછા થતા સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રા યોજવા માટેની પરવાનગી આપી છે. જે રૂટ પરથી રથ નીકળશે તે તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવશે. જેના કારણે ભક્તો રથયાત્રામાં નહિ જોડાય અને મોસાળ સરસપુરમાં દર વર્ષે થતો 1 લાખ કરતાં વધુ ભક્તોનો જમણવાર પણ યોજાશે નહિં. સરસપુર ખાતે ભગવાન જગન્નાથના મોસાળમાં જયારે પણ રથ પહોંચે છે ત્યારે રથમાં જોડાયેલા તમામ લોકોને સરસપુરની જુદી જુદી પોળમાં જમણવાર રાખવામાં આવે છે. એક અઠવાડિયા પહેલાથી જ તમામ પ્રકારની તૈયારીઓ શરુ કરી દેવામાં આવતી હોય છે. પરતું આ વખતે જમણવાર નહિં યોજાય.

(8:01 pm IST)