Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં મંદી, મોંઘવારી અને મહામારી સામે શરૂ કરવામાં આવેલ જનચેતના અભિયાન હેઠળ વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ અરવલ્લીના માલપુર ખાતે બળદગાડા, ઘોડાગાડી, ઉંટગાડી અને સાઈકલ રેલી કાઢીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો

સમગ્ર રાજ્યના ૨૫૦ તાલુકાઓમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સવિનય કાનુન ભંગ સાથે લોકોની સમસ્યાઓ - વેદનાઓને વાચા આપવા માટે તાલુકે તાલુકે આ આંદોલનને આગળ ધપાવવાનો વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ હુંકાર

રાજકોટ તા.૯, : કોંગ્રેસ પક્ષ દ્વારા ૭મી જુલાઈથી સમગ્ર રાજ્યમાં મંદી, મોંઘવારી અને મહામારી સામે શરૂ કરવામાં આવેલ જનચેતના અભિયાન હેઠળ વિરોધપક્ષના નેતા  પરેશભાઈ ધાનાણીએ અરવલ્લીના માલપુર ખાતે બળદગાડા, ઘોડાગાડી, ઉંટગાડી અને સાઈકલ રેલી કાઢીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.

     ગુજરાતની સાડા છ કરોડ સહિત દેશની જનતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી તોબા પોકારી રહી છે અને બેફામ ભાવ વધારાના કારણે આજે કરીયાણું, ગંધીયાણું સહિતની તમામ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે સામાન્ય માણસને પરિવારનું ગુજરાત ચલાવવું અને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘાવારીના કારમા ચક્કરમાં સપડાયો છે. આમ છતાં ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા સામાન્ય જનતાનો રક્ષક બનીને બીજી આઝાદીની લડાઈ શરૂ કરેલ છે. સમગ્ર રાજ્યના ૨૫૦ તાલુકાઓમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સવિનય કાનુન ભંગ સાથે લોકોની સમસ્યાઓ - વેદનાઓને વાચા આપવા માટે તાલુકે તાલુકે આ આંદોલનને આગળ ધપાવવાનો વિરોધપક્ષના નેતા  પરેશભાઈ ધાનાણીએ હુંકાર કર્યો હતો.

     કોરોના મહામારીથી પરેશાન રાજ્યના લોકોને મોંઘવારીમાંથી છૂટકારો અપાવવા માટે કોંગ્રેસે આદરેલું આંદોલન ગામડાં સુધી લઈ જવામાં આવશે. સરકાર ધારે તો જનતાને રાહત આપવા માટે પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટી સહિતના ટેક્સ ઘટાડીને રાહત આપી શકે છે, પરંતુ મોંઘવારી દૂર કરવાના રૂપાળા સૂત્રો આપીને સત્તામાં આવેલી ભાજપ સરકાર પોતાના ખર્ચા ઘટાડતી નથી.

(8:01 pm IST)