Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં હવે બાળકની વય ર૧ વર્ષની થાય ત્યાં સુધી દરમહિને ૪ હજારની સહાય રાજ્ય સરકાર આપશે

હાલની ૧૮ વર્ષની વયમર્યાદામાં વધારો કરી હવે ર૧ વર્ષની વય સુધી નિરાધાર-અનાથ બાળકને રૂ. ૪૦૦૦ની માસિક સહાય મળશે :કોરોનામાં માતા-પિતાની છાયા ગૂમાવી બેઠેલા નિરાધાર બાળકોનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મોકળા મને સંવાદ:ઉચ્ચશિક્ષણ અભ્યાસ પ્રવેશ માટે આર્થિક સહાય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં મળશે : ‘‘મા અમૃત્તમ’’ કાર્ડના લાભ અનાથ-નિરાધાર બાળકને મળવાથી ગંભીર રોગોની સારવાર-સુશ્રુષા વિનામૂલ્યે થઇ શકશે : અનાથ-નિરાધાર દિકરીના અભ્યાસ-હોસ્ટેલ ખર્ચ અને લગ્ન પ્રસંગે ‘‘મામેરૂં પણ સરકાર ‘‘કુવરબાઇનું મામેરૂં’’ યોજનાથી આપશે

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સી.એમ. કોમન મેન તરીકે રાજ્યના વિવિધ સમાજ-વર્ગો સામે મુક્ત મને સંવાદ-ગોષ્ઠી માટે શરુ કરેલી મોકળા મને સંવાદ શૃંખલાની વધુ એક કડી સંપન્ન કરી હતી.
 તદઅનુસાર, મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણના આ કાળમાં જેમણે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બન્યા છે તેવા બાળકોને મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવીને તેમની સાથે લાગણીસભર સંવાદ પિતૃવાત્સલ્ય ભાવથી કર્યો હતો.
રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી આવા ૩પ જેટલા નિરાધાર-અનાથ બાળકોને મુખ્યમંત્રી  નિવાસસ્થાને વિજયભાઇ રૂપાણી સાથે સીધા સંવાદની આ મોકળા મને કાર્યક્રમ અંતર્ગત તક મળી હતી. બાળકો સાથે તેમના પાલક વાલીઓ પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, કોરોનાને કારણે નિરાધાર થયેલા બાળકોનો ભવિષ્યનો વિચાર કરીને જ રાજ્ય સરકારે ‘મુખ્યમંત્રી બાળ સહાય યોજના’ શરૂ કરી છે. નિરાધાર બાળકોનું ભાવિ રોળાઈ ન જાય તેની સંપૂર્ણ સંવેદનાથી બાળકના વાલી બનીને બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આ રાજ્ય સરકારે આદર્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના મહામારીના આ સંક્રમણ દરમિયાન જે બાળકોના માતા-પિતા બંનેનું અવસાન થયું છે તેવા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ-લોન અને સહાય પૂરી પાડવા આ યોજના શરૂ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની એન.ડી.એ સરકારને સફળ સાત વર્ષ પૂર્ણ થવા અવસરે આ ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ ગુજરાતમાં કોરોનાથી માતા-પિતા ગૂમાવી ચૂકેલા નિરાધાર બાળકો પ્રત્યે સંપૂર્ણ સંવેદનાથી શરૂ કરવામાં આવી છે.  
નિરાધાર બાળકો સાથે સંવાદ કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’ અંતર્ગત આપવામાં આવતા વિવિધ લાભો વિશે જણાવ્યું હતું કે, નિરાધાર અનાથ બાળક કયાંય પાછું ન પડે, તેના સપનાં કે ભાવિ રોળાઇ ન જાય અને તે પોતાની મહેચ્છા મુજબ કારકીર્દી ઘડે, ઉચ્ચ અભ્યાસ કરે તથા સમાજમાં ઉત્તમ નાગરિક તરીકે પ્રસ્થાપિત થાય તેવી સંવેદનાથી આપણે મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરી છે.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે જીવનની શરૂઆતના તબક્કે જ બાલ્યકાળમાં મા-બાપની છાયા-હૂંફ ગુમાવી બેઠેલા બાળકનો સધિયારો-આધાર આ સરકાર બની છે.
મુખ્યમંત્રી બાળ સેવા યોજના માત્ર નાણાંકીય સહાય જ નહિં આવા બાળકને જીવન જીવવાનો, કારકીર્દી ઘડતરનો તેની આરોગ્ય સુખાકારી, સારવાર તેમજ ઉચ્ચશિક્ષણ અને દિકરીના મામેરા પૂરવા સુધીનો સર્વગ્રાહી કલ્યાણ ભાવ સાથેની સેવા યોજના છે એમ સ્પષ્ટપણે ઉમેર્યુ હતું.
ગુજરાતે બાળકોના બાળપણથી લઇને રોજગાર મળતાં સુધીની સર્વાંગી કલ્યાાણ યોજના શરૂ કરવાની પથદર્શક પહેલ કરી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
જેમના માતા-પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા પ્રત્યેક બાળકને આવક મર્યાદા ધ્યાને લીધા વિના ૧૮ વર્ષની ઉંમર સુધી દર મહિને રૂ. ૪,૦૦૦ રાજ્ય સરકાર આ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હવે, આ વયમર્યાદા ૧૮થી વધારીને ર૧ કરવામાં આવી છે.
રાજ્યભરમાં આવા ૭૭૬ જેટલા નિરાધાર બાળકોને બાળક દીઠ રૂ. ૪,૦૦૦ની સહાય અન્વયે હજુ બે દિવસ પહેલાં જ કુલ ૩૧.૦૪ લાખની સહાય ડી.બી.ટી. થી બેંક ખાતામાં આપવામાં પણ આવેલી છે.
ર૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક-યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની ર૪ વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. ૬,૦૦૦ની સહાયનો લાભ પણ આપવામાં આવશે. એટલે કે, તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણાશે.
રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતા આપવાનો નિર્ણય કરાયો છે.
 રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપવા માટે શરૂ કરાયેલી ‘‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’’ અંતર્ગત પણ અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચશિક્ષણ માટે આવરી લેવામાં આવ્યા છે અને તેના લાભો કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આવા નિરાધાર બાળકો ઉચ્ચ શિક્ષણની તકો પ્રાપ્ત કરી શકે અને પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે.
૧૪ વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ પણ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત આપવાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આના પરિણામે વ્યવસાયલક્ષી શિક્ષણમાં પણ નિરાધાર બાળકોને તજજ્ઞતા મળશે.
કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય/નિવાસી શાળાઓમાં અનુસૂચિત જાતિ અન્ય પછાત વર્ષ તેમજ લઘુમતી સમાજની કન્યાઓને, અનુસૂચિત જનજાતિ, પ્રવેશ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત જે દિકરીઓએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને પણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને નિવાસી શાળાાઓમાં શિક્ષણ માટે પ્રવેશમાં અગ્રતા આપીને હોસ્ટેલ ખર્ચ પણ સરકાર આપશે અને આવી નિરાધાર દિકરીઓને શિક્ષણ મેળવવાની વંચિત રહેવાનો વારો નહિં આવે.
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જનજાતિ કુટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાંકીય સહાય આપવામાં આવે છે. નિરાધાર કન્યાઓનો પણ લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂં  યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આવી નિરાધાર દિકરીઓને લગ્નપ્રસંગે પોતાના માતા-પિતા ન હોવાની કોઇ ઓછપ ન વર્તાય તે માટે રાજ્ય સરકાર તેનું મામેરૂં કરવાની સંવેદનાથી પડખે ઊભી રહેશે.
મુખ્યમંત્રી અમૃત્તમ કાર્ડ યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવાર અને ‘‘મા’’ કેન્સર સહિતના ગંભીર રોગોની સારવાર, કીડની, મધ્યમવર્ગીય પરિવારોને ગંભીર રોગો જેવા કે હ્વદય માટે રૂ. પ લાખ સુધીની કેશલેશ મફત સારવાર પૂરી પાડવામાં આવે છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવનારા અનાથ નિરાધાર બાળકોને પાણ આવા કાર્ડ અન્વયે તબીબી સારવાર અગ્રતાના ધોરણે અપાશે.
અનાથ બાળકોને ભૂખ્યા સુવું ન પડે તેની ચિંતા કરીને આ યોજનાના લાભાર્થી બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવામાં આવ્યા છે. દર મહિને રાહત દરે આવા પરિવારોને બે રૂપિયે કિલો ઘઉં, ત્રણ રૂપિયે કિલો ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ ઉપલબ્ધ કરાવાશે અને પેટનો ખાડો પૂરવા સરકાર સહાયક બનશે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના તહેત અપાશે.
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કોરોના મહામારી દરમિયાન માતા અને પિતા બંન્ને ગુમાવનાર અનાથ બાળકોને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીને સોશિયલ ડિન્ટન્સિંગ અને કોરોના સંક્રમણ નિયંત્રણ એસ.ઓ.પી, સાથે મોકળા મને સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, સમાજકલ્યાણ નિયામક નાચિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ, નિરાધાર બાળકો અને તેના પાલક વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

(7:29 pm IST)