Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કરજણ તાલુકાના નેશનલ હાઇવે નજીક હોટલોના કમ્પાઉન્ડોમાં ગેરકાયદે વેચાતા બાયોડીઝલ પંપ પર પોલીસે દરોડા 28 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

કરજણ:તાલુકાના નેશનલ હાઇવે પરની હોટલોના કમ્પાઉન્ડોમાં ગેરકાયદે વેચાતા બાયોડીઝલ પંપ પર પોલીસે દરોડા પાડયા બાદ હોટલોના સંચાલક, કર્મચારીઓ, બાયોડીઝલના સપ્લાયર્સ મળી કુલ ૨૮ શખ્સો સામે ગુનો દાખલ કરી જિલ્લા એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા-ભરૃચ નેશનલ હાઇવે પર આવેલી કેટલીક હોટલના કમ્પાઉન્ડોમાં બાયોડીઝલ પંપો પર ગેરકાયદે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થને બાયોડીઝલના નામે વેચાણ કરવામાં આવે છે તેવી બાતમીના આધારે ફેબુ્રઆરી માસમાં પોલીસ અને મામલતદારની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાયોડીઝલ પંપો પર કોઇપણ જાતની સેફ્ટી જણાઇ ન હતી તેમજ પેટ્રોલિયમ પદાર્થ વેચતા હોવા છતાં ફાયર સેફ્ટીની કોઇ સુવિદ્યા નહી હોવાનું જણાયું હતું. આ પંપો જાહેર જનતા માટે જોખમરૃપ હોવાનું પણ જણાયું  હતું.

પોલીસ દ્વારા કુલ ૭ બાયોડીઝલ પંપો પરથી રૃા.૨૭.૪૫ લાખ કિંમતનું ૪૫૭૫૦ લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તેના નમૂના એફએસએલમાં તપાસણી માટે મોકલાયા હતાં. એફએસએલ દ્વારા પૃથ્થકરણ અહેવાલ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે બાયોડીઝલની લાક્ષણિકતાઓની જરૃરિયાતને નમૂના સંતોષતા નથી તેમજ નમૂનામાં પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બનની હાજરી પણ મળી હતી. આ ભેળસેળવાળી પેટ્રોલિયમ પ્રોડક્ટને વેચાણ કરવું કેન્દ્ર સરકારના નિયમોના ભંગ સમાન હોવાથી કુલ ૭ ગુના નોંધવામાં આવ્યા હતાં.

(5:24 pm IST)