Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સોશ્‍યલ મીડિયા ઉપયોગી પુરવાર થયુઃ પંચમહાલ જીલ્લાના રતનપુરની નદીના પટમાંથી મળેલ માનસિક દિવ્‍યાંગ બાળક સાથે પરિવારનો ભેટો કરાવ્‍યો

પંચમહાલ: સોશિયલ મીડિયા માધ્યમોનો સદુપયોગ કરવામાં આવે તો તે ઘણી ગંભીર બાબતોમાં પણ સારા પરિણામો અપાવી શકે છે. આવું જ કંઈક બન્યું પંચમહાલ જિલ્લાની કાકણપુર પોલીસ સાથે. કાકણપુર સ્ટેશનની હદમાં આવેલ રતનપુર ગામની નદીના પટમાંથી રાત્રિના સમયે એક મૂકબધિર કિશોર મળી આવતા સ્થાનિક લોકોએ કાકણપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. કિશોરને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા તે મુકબધિર અને માનસિક રીતે અસ્થિર હોવાનુ દેખાયુ હતું. કઈ પણ બોલી કે સમજી શક્તો નહોતો. જેથી કિશોરના વાલી વારસોને શોધવા પોલીસ માટે મોટો પડકાર સાબિત થયું. જો કે આ મામલે પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લઈ કિશોરના ફોટા વાયરલ કરી ઓળખીતાઓ એ કાકણપુર પોલીસનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું. આખરે ગણતરીના કલાકોમાં જ આ મૂકબધિર અને માનસિક અસ્થિર કિશોરના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રિના અંદાજીત 8 વાગ્યાની આસપાસ ગોધરા તાલુકાના રતનપુર (કાં) ગામના વિષ્ણુકુમાર પરમારને ગામના જ એક વ્યક્તિએ કોલ કરી જાણ કરી કે, રતનપુર ગામની નદીના પટમાં અંધારામાં પથ્થર પર એક કિશોર બેસી રહ્યો છે. આસપાસ તેના કોઇ વાલી વારસો પણ દેખાતો નથી. જેથી વિષ્ણુ કુમાર સહિત ગામના વ્યક્તિઓ નદી પાસે જઈ જોતા કિશોર ડરી ગયો હતો. તેની પૂછપરછ કરતા તે કંઈ પણ બોલી શકવા સક્ષમ ન દેખાતા ગ્રામજનોએ કિશોરને રાત્રે જ કાકણપુર પોલીસને સોંપ્યો હતો.

કાકણપુર પોલીસે પણ કિશોરની વધુ પૂછપરછ કરતા કિશોર મુકબધિર હોવાની સાથે માનસિક અસ્થિર હોઈ કઈ પણ બોલી શકે તેવી હાલતમાં ન હતો. ત્યારે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ મૂંઝવણમાં મૂકાયા હતા. જેથી પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લેતા કિશોરના ફોટા અને પ્રાથમિક વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. ગણતરીના કલાકોમાં જ કાકણપુર સહિત આસપાસના ગામના વોટ્સએપ ગ્રુપમાં કિશોરના ફોટા વાયરલ થયા હતાં. જે ફોટા મુકબધિર કિશોરના ગામ શહેરા તાલુકા ડેમલી સુધી પણ જોતજોતામાં પહોંચી ગયા હતાં.

સોશિયલ મીડિયા મેસેજના આધારે કિશોરના લાલજીભાઈ વાલાભાઈ તાવિયાડ (રહે -ડેમલી નવી વસાહત તા -શહેરા) એ કાકણપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. રાત્રિના અંદાજીત 11.30 વાગ્યાની આસપાસ મુકબધિર કિશોરના પિતા કાકણપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પોલીસે સમગ્ર બાબતથી તેમને વાકેફ કર્યા હતા. તેમજ બાળકની જરૂરી ખરાઈ પણ કરી હતી. તેના બાદ બાળક પિતાને સોંપ્યો હતો. પોતાના મુકબધિર દીકરાને પોલીસની મદદથી હેમખેમ પરત મેળવતા લાલજીભાઈ ભાવવિભોર બન્યા હતા અને કાકણપુર પોલીસ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

(5:03 pm IST)