Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ગાંધીનગર દ્વારા પત્તા ખોલાયા, ''અકિલા''નાં અહેવાલને સમર્થન, હવે પોલીસ તંત્ર પણ પોતાની બાજી ખેલવા માટે સજ્જ બન્યું

રથયાત્રા પર પોલીસ માત્ર જમીન પર જ નહિ, આકાશમાંથી પણ બાજ નજર રાખશે

ડ્રોન દ્વારા સતત નિરીક્ષણ,રથ નજીક કોઇ ફરકી નહિ શકે, બ્રિજ શિલ કરી પશ્ચિમ વિસ્તારના લોકો આડે સ્પીડ બ્રેકર,સાત પોલીસ મથકમાં : કર્ફ્યુ રાખવામાં આવશે, પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ અને એડી.પોલીસ કમિશનર સંજય રાજેન્દ્ર અસારી દ્વારા રણનીતિ જાહેર : લોકડાઉન વગર ગુજરાતે કોરોના પર કાબૂ મેળવ્યો છે, આવી સ્થિતિ આપણી બેદરકારીને કારણે વણસી ન જાય અને ત્રીજી લહેર પ્રવેશે નહિ તે માટે નાગરિક ધર્મ નિભાવવા લોકોને 'અકિલા'ના માધ્યમ દ્વારા એડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી દ્વારા હૃદય સ્પર્શી અપીલ : ૪૨ ડીસીપી,૭૪ એસીપી,૨૩૦ પીઆઇ,૬૦૭ પીએસઆઈ,૧૧૮૦૦ પોલીસ જવાન,૩૪ એસ.આર.પી. ૫૯૦૦ હોમ ગાર્ડ,ચેતક કમાન્ડો,બોમ્બ ડિસ્પોઝેબ્લ સ્કવોડ,અને કિવક રિસ્પોન્સેબલની ૧૫ ટુકડીઓ ખડે પગે રહેશે

રાજકોટ તા. ૯,   અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા અંગે આખરે ગાંધીનગર દ્વારા સતાવાર રીતે રથયાત્રા યોજવા સાથે તેની ગાઈડ લાઇન જાહેર થતાં હવે પોલીસ દ્વારા થ્રી લહેર સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાશે, પોલીસ તંત્ર દ્વારા આકાશમાંથી પણ બાજ નજર રાખવા માટે પાવરફુલ ડ્રોન કેમેરાનો ઉપયોગ પોલીસ કમિશનર સંજય શ્રી  વાસ્તવના માર્ગદર્શન મુજબ થશે તેમ રથયાત્રાની મહત્વની જવાબદારી સંભાળતા એડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 

 અત્રે યાદ રહે કે બહોળો અનુભવ ધરાવતા પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ અને તેમની ટીમ માટે ખૂબ કસોટી હતી, બંદોબસ્ત કયા આધારે ગોઠવવો તે નક્કી ન હતું છતાં રાજ્ય સરકાર ગમે તે પદ્ધતિ નક્કી કરે તેનો અમલ કરવા માટે વિવિધ સ્કીમો તૈયાર કરી હતી.

 અત્રે એ યાદ રહે કે 'અકિલા' દ્વારા રાજ્ય સરકાર પ્રવર્તમાન પરિસ્થિતિમાં કેવી રણનીતિ રથયાત્રા માટે વિચારશે તે મુજબના અહેવાલ પ્રસારિત કરેલ,જે સાચા પુરવાર થયા છે. ફરી મૂળ વાત પર આવી એ તો પોલીસ દ્વારા પશ્ચિમ બાજુના લોકો પૂર્વ તરફ ન આવે તેમાટે તમામ પુલ પરની અવર જવર રથયાત્રા પરત  ન ફરે તે માટે બંધ રાખવામાં આવેલ છે. સાત પોલીસ મથક વિસ્તારમાં રથયાત્રા દરમિયાન કર્ફ્યુ જડબેસલાક રાખવામાં આવશે.

 પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવેલ છે કે રથ નજીક કોઈને જવા દેવામાં નહિ આવે.બેરિકેટીગ વિગેરે દ્વારા કરફયુનો ચુસ્ત અમલ કરવામાં આવશે.  

    દરમિયાન અમદાવાદના એડી.સીપી રાજેન્દ્ર અસારી દ્વારા લોકોને હદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું છે કે, મોટા લોકડાઉન વગર ગુજરાતમાં કોરોના કાબૂમાં લાવવા અને ચોક્કસ નિયમોના અમલ દરમિયાન પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે. જન જીવન પણ મહદ અંશે પૂર્વવત થઇ રહ્યુ છે. આમ છતાં ત્રીજી લહેરને નજર અંદાજ કરી ન શકાય ,સરકાર અને તંત્રને સહયોગ આપી આવી લહેર રોકવા લોકોએ પણ કોરોના  ગાઈડ લાઈનનુ પાલન કરી સહયોગ આપવો તેવી નૈતિક ફરજ નિભાવવી જોઈએ તે માટે નમ્ર અપીલ કરી છે.

રથયાત્રાનો બંદોબસ્ત ડીસીપી અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારી-૪૨, એસીપી-૭૪, પીઆઇ ૨૩૦, પીએસઆઇ ૬૦૭, પોલીસકર્મી ૧૧૮૦૦, એસઆરપી કંપની ૩૪, સીએપીએફ કંપની ૯, ચેતક કમાન્ડો -૧, હોમગાર્ડ ૫૯૦૦, બીડીડીએસ ટીમ ૧૩, કયુઆરટી ટીમ ૧૫ રાખવાનો નિર્ણય કરાયો છે.

(1:01 pm IST)