Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

લુણાવાડા ખાતે ગુજરાત કોંગ્રેસની કારોબારી યોજાઇ

પ૦ વર્ષમાં આવી મોંઘવારી કયારેય જોઇ નથીઃ અર્જુન મોઢવાડીયા

ભાજપે દેખાડેલા દિવાસ્વપ્નો સાકાર કરવા પ્રજાએ રપ વર્ષથી સત્તા આપી છે છતા મોંઘવારી, બેરોજગાર પરાકાષ્ઠાએઃ સરકારી દવાખાના ભાંગી ખાનગી હોસ્પીટલો ઉભી કરીઃ શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઇ

લુણાવાડા, તા., ૯: લુણાવાડા ખાતે કાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ સમીતીની બેઠક મળી હતી. જેમાં ભાવવધારાને લઇ ભારે વિરોધ નોંધાવી વર્તમાન સરકારને હત્યારી સરકાર ગણાવી હતી.

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ ૪ર પાટીદાર સમાજ ઘર ખાતે તાલુકા  કોંગ્રેસ સમીતીની વિસ્તૃત કારોબારીની મીટીંગ મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા લુણાવાડા ખાતે આવી પહોંચ્યા હતા. જીલ્લા કોંગ્રેસના નેતાઓ સહીત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા હતા. મોઢવાડીયાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ગુજરાતભરમાં મોંઘવારીના મુદ પર ભાજપને આડે હાથે લેતા છેલ્લા રપ વર્ષથી ભાજપની સરકાર છે તેમ છતા ખેડુતોના ટેકાના ભાવ પણ વધાર્યા નથી. વિદ્યાર્થીઓ માટે સારી સ્કુલોની વ્યવસ્થા કરી નથી, સરકારી દવાખાનાઓ ભાંગી અને ખાનગી હોસ્પીટલો ઉભી કરી છે. રોજગારીના નામે શુન્ય છે જેથી લોકો નોકરી માટે દરબદર રઝળવું પડી રહયું છે. બેરોજગારી પરાકાષ્ઠાએ પહોંચી છે. આવી મોંઘવારી છેલ્લા પ૦ વર્ષમાં જોવા મળી નથી. કોરોનાની મહામારીમાં સરકાર સંપુર્ણપણે ફેઇલ થઇ છે. કોરોના કાળમાં જે તૈયારીઓ કરવી જોઇતી હતી તે તૈયારીઓ કરી ન હતી જેના કારણે દેશભરમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને ભારતને સમગ્ર વિશ્વમાં નીચાજોણુ થયું છે.

(12:59 pm IST)