Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

નિખીલ સવાણીનું યુથ કોંગ્રેસના તમામ હોદા ઉપરથી રાજીનામુ

કોંગ્રેસમાં જુથબંધી ચાલે છેઃ હાર્દિક પટેલને એક પણ કાર્યક્રમમાં આમંત્રણ અપાતુ નથી... : રાત્રે રાજીનામુ આપી દીધા બાદ કોંગ્રેસે દોઢ કલાક પછી સસ્પેન્ડ કરી દીધાઃ ભારે રાજકીય ગરમાવો : કોંગ્રેસના નેતાઓ સામે ધગધગતા પ્રહારોઃ રૂપિયા હોય તે જ યુથ કોંગ્રેસના પ્રમુખ બની શકે

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા. ૯ :.. યુથ કોંગ્રેસનાં તમામ હોદા ઉપરથી યુવા અગ્રણી નિખીલ સવાણીએ રાજીનામુ આપી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આજે બપોરે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજીને નિખીલ સવાણીએ માહિતી આપી હતી.

નિખીલ સવાણીએ જણાવ્યું હતું કે મે રાત્રીના ૯ વાગ્યે રાજીનામુ આપી દીધા બાદ મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અંતે દોઢ કલાક બાદ મને પક્ષમાંથી સસપેન્ડ કરાયો હતો.

બે દિવસ અગાઉ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રદેશ યુવક કોંગ્રેસની મેમ્બરશીપ લોન્ચિંગ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી AICCના મહામંત્રી દીપક બાબરીયા બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને ગુજરાત યુથ કોંગ્રેસના બંને પ્રભારીની હાજરીમાં મારા તથા મારા સાથી મિત્રો સાથે જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે આ ઘટના પૂર્વ તૈયારીઓ સાથે કરવામાં આવી હતી અને આ ઘટનાને અંજામ આપનાર વ્યકિત અગાઉ પાર્ટીમાંથી બે વખત સસ્પેન્ડ પણ થઇ ચુક્યા છે અને તેમની સાથે રહેલા અન્ય લોકો એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસ ને  પેઢી સમજી એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસની અંદર નવા જોડાતા યુવાનોને કોઈને કોઈ રીતે માનસિક ટોર્ચર અને અપમાનિત કરી કેવી રીતે પાર્ટી તોડે તેવા આયોજનો કરતા રહે છે ભૂતકાળમાં ગુજરાત યુનિવર્સિટીના વેલફેર મેમ્બર હોય કે સેનેટ મેમ્બર હોય કે સિન્ડીકેટ મેમ્બર હોય કે એન.એસ.યુ.આઈના નેશનલ ડેલીગેટરો હોય કે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના પદાધિકારી હોય જે સારી રીતે પાર્ટીમાં કામ કરી રહ્યા હોય છતાં પણ એમને પાર્ટી છોડવાનો વારો આવી ચૂક્યો છે ઉદાહરણ તરીકે રાજકોટના મેયર પ્રદીપ ડવ એક સમયે રાજકોટના પ્રમુખ હતા હાલના બાપુનગર વિસ્તારમાંથી કોર્પોરેટર પ્રકાશ ગુર્જર એક સમયે ગુજરાત યુવક કોંગ્રેસના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે આવા અનેક એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસના નેતાઓ ષડયંત્ર કરનારી ટીમ નો ભોગ બની ચૂક્યા છે છતાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આંખ આડા કાન કરીને તેમના પર આજદિન સુધી કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી નથી કરી

નિખિલ સવાણીએ વધુમાં જણાવ્યું છે કે યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પ્રમુખ બનાવવા માટે મેમ્બરશીપ કરવામાં આવી રહી છે જે ફકત અને ફકત પૈસા ભેગા કરવા માટે કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે કારણ કે ભૂતકાળમાં લાખોની સંખ્યામાં યુવક કોંગ્રેસ દ્વારા લાખો સભ્યોની મેમ્બરશીપ કરીને કરોડો રૂપીયાનું ફંડ દિલ્હી મોકલવામાં આવ્યું હતું પરંતુ મેમ્બરશીપ નો ડેટા આજદિન સુધી ક્યાંય પણ ઉપયોગમાં લેવામાં નથી આવ્યો તો શું યુથ કોંગ્રેસમાં મેમ્બરશીપ માત્રને માત્ર પૈસા ભેગા કરવા માટે આવે છે ?  આમ જોતા તો એવું લાગી રહ્યું છે કે જેની પાસે પૈસા વધારે હોય એ વ્યકિત જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ બની શકે. બીજી તરફ લાખોની સંખ્યામાં મેમ્બરશીપ થકી યુવાનો યુથ કોંગ્રેસમાં જોડાયા છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર આમાંથી હજારો લોકો પણ દેખાતા નથી એટલે સ્પષ્ટ થાય છે કે તમામ સભ્યોની નોંધણી ડમી હોય તેવું પુરવાર થાય છે અને આમ યુથ કોંગ્રેસની ચૂંટણી માત્ર ને માત્ર પૈસા કમાવાનો ખેલ હોય તેવું લાગી રહ્યું છે.

તદુપરાંત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવવામાં આવી રહી છે જે સારી બાબત છે પરંતુ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને મારા સાથી મિત્ર હાર્દિકભાઈના પિતાશ્રીનું પણ તાજેતરમાં કોરોનાના કારણે અવસાન થયું છે ત્યારે આ દુઃખની ઘડીમાં કોંગ્રેસના એક પણ સિનિયર નેતાએ હાર્દિક પટેલના પરિવારને મળવાની તસ્દી પણ નથી લીધી અને કોંગ્રેસના નેતાઓને હાર્દિક પટેલના પરિવારને સાંત્વના પાઠવવાનો સમય પણ નથી મળ્યો.

પ્રદેશના નેતાઓની આ ભેદભાવવાળી એકમાત્ર ઘટના નથી હાલમાં જ ફેબ્રુઆરી મહિનામાં જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો એક પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો નહોતો ત્યારબાદ વધુમાં કોઈપણ મહત્વના નિર્ણયમાં, મહત્ત્વની મિટિંગમાં અને ગુજરાત કોંગ્રેસનું ડેલિગેશન જ્યારે જ્યારે રાજ્યપાલ ને મળવા ગયું હોય એવા સમયે પણ હાર્દિક પટેલને આમંત્રિત કરવામાં નથી આવ્યા ત્યારે આ તમામ કારણોથી સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં જૂથબંધી ચાલી રહી છે અને કોંગ્રેસની આવી નીતિઓના કારણે હું ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ગુજરાત કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજુનામું આપું છું

પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનોને મહિલાઓને અને ખેડૂતોને થતા અન્યાયો બાબતે સતત લડતો રહીશ. તેમ અંતમાં નિખીલ સવાણી (મો.૯૯ર૪૯ ૪પ૦૦૮) એ જણાવ્યું હતું.

(12:03 pm IST)