Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સોશિયલ મીડિયામાં નેતા, પોલીસ, વિવિધ જાતિઓ અને ભારતીય મહિલાઓ વિશે ખરાબ ટીપ્પણ કરનાર ઝડપાયો

આરોપીને સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાંચની સંયુક્ત ટીમે કુબેરનગરમાંથી ઝડપી પાડ્યો

અમદાવાદ :ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ટ્વીટર એકાઉન્ટ તથા ફેસબુક માધ્યમનો ઉપયોગ કરી  નેતા, પોલીસ, અનુસુચિત જાતિ જનજાતિ અને ભારતીય મહિલાઓ વિશે ખરાબ ટીપ્પણીઓ પોસ્ટ કરનાર આરોપીને સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાંચની સંયુક્ત ટીમે કુબેરનગરમાંથી ઝડપી પાડ્યો હતો.

શહેરમાં એક અજાણ્યા શખ્સે ટ્વીટર એકાઉન્ટ અને ફેસબુક માધ્યમ દ્વારા ભારતના અમુક નેતાઓ તથા પોલીસ કર્મીઓ સહીતના અધિકારીઓ, અનુસુચિત જાતિ સહીતની જાતિઓ તેમજ ભારતીય મહિલાઓ વિશે ખરાબ ટીપ્પણી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેથી સાયબર ક્રાઈમ પોલીસે આ અજાણ્યા શખ્સને શોધવા માટે ટેકનીકલ એનાલીસીસ કર્યું ત્યારે આ શખ્સ કુબેરનગરના કર્ણાવતી સુંદરવન રેસીડેન્સીમાં રહેતો સંતોષ નેહલાની હોવાનું સામે આવતા સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીની પુછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, પોતે ફેસબુક અને ટ્વીટર માધ્યમ દ્વારા એકાઉન્ટ બનાવી ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરીને ભારતના નેતાઓ,પોલીસ તથા અનુસુચિત જાતિ જનજાતિના અને ભારતીય મહિલાઓના વિરુદ્ધમાં ખરાબ ટીપ્પણી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીની ધરપકડ થઈ ગઈ હોવા છતાં આ પોસ્ટો કરવાનું શું કારણ હતું તે અંગે હજુ સુધી સાયબર ક્રાઈમની ટીમે શોધી ન શકતા ચર્ચાનો વિષય બન્યો છે.

(8:55 pm IST)