Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

રાજ્ય સરકાર પ્રત્યેક નાગરિકની શ્રેષ્ઠત્તમ સારવાર માટે કટિબદ્ધ : 45 હજારની એક એવા 2083 ટોસિલિઝુમેબ , રેમડેસિવિરના 86 વાયલ ઇન્જેક્શન દ્વારા કોવિડના દર્દીઓને નિ:શુલ્ક સારવાર અપાઈ : નીતિનભાઈ પટેલ

રેમડેસિવિરની ત્રીજી કંપનીને લાઇસન્સ મળતાં ઉત્પાદન શરૂ કરાશે, જેમાં ગુજરાતને બે હજારથી વધુ ઇન્જેક્શનનો પુરવઠો પૂરો પડાશે

અમદાવાદ : વર્તમાન વિશ્વવ્યાપી મહામારી કોવિડ-19 સામેની લડાઈમાં ગુજરાત સરકાર રાજ્યમાં વસતા પ્રત્યેક નાગરિકના આરોગ્ય માટે સમાનરૂપે સતત ચિંતાતુર છે તેમજ સંક્રમિત થયેલા પ્રત્યેક દર્દીની સારવારમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે, એવી સર્વશ્રેષ્ઠ સારવાર આપવા માટે કટિબદ્ધ છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર આશરે 45 હજારની કિંમતના એક એવા ટોસિલિઝુમેબ તેમજ બહુમૂલ્ય રેમડેસિવિર જેવાં ઇન્જેક્શનોનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવા ઉપરાંત આરોગ્યલક્ષી અદ્યતન સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે. આમ છતાં, આ ઘનિષ્ઠ કામગીરી સામે પાયાવિહોણા આક્ષેપો કરતા રાજકીય વિરોધીઓએ આ વૈશ્વિક મહામારીના સમયમાં રાજકારણ રમવાનું બંધ કરી, નાગરિકો અને કોવિડ સંક્રમિત દર્દીઓની સેવાની કામગીરીમાં લાગી જવું જોઈએ.

 

             આ અંગેની વિગતો આપતાં પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19 પોઝિટિવ દર્દીઓની શ્રેષ્ઠ સેવા-સુશ્રૂષા કરવામાં આવી રહી છે. અગાઉ પોઝિટિવ હતા તેવા અનેક દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે અને આ દૃષ્ટિએ ગુજરાત રાજ્યનો ડિસ્ચાર્જ રેટ અને રિકવરી રેટ ખૂબ સારો છે. રાજ્યની વિવિધ સરકારી તેમજ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે નિયત કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ફી વિના તમામ દર્દીઓને 14 દિવસથી માંડીને એક મહિના સુધી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે.
             આ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ મોટાં શહેરોમાં તથા અન્ય જિલ્લાઓમાં જ્યાં કોરોનાના કેસની સંખ્યા વધારે છે, ત્યાં એક સચિવ કક્ષાના અધિકારી તેમજ સિનિયર આઈએએસ કક્ષાના અધિકારીને ઑફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિયુક્ત કરી, કોરોનાની મહામારી સામે માર્ગદર્શન અને રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે.
               રાજ્ય સરકાર દ્વારા અપાતી સારવારમાં દર્દીઓ માટે તમામ પ્રકારની દવાઓ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમજ દર્દીએ કોઈ પણ દવા બહારથી લાવવાની રહેતી નથી. આ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા તેમજ ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શિકા અનુસાર રાજ્યના પ્રત્યેક દર્દીને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના પૂરતી સારવાર આપવામાં આવી રહી છે.
               ખાસ કરીને અત્યંત ગંભીર પરિસ્થિતિમાં દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવા માટે નિષ્ણાત તબીબો દ્વારા ભલામણ કરવામાં આવતી હોય છે. સમગ્ર વિશ્વમાં સ્વિત્ઝરલૅન્ડની એક માત્ર રોશ કંપની જ આ ઇન્જેક્શનનું ઉતપાદન કરે છે. જ્યારે ભારતમાં એક માત્ર સિપ્લા કંપની જ આ ઇન્જેક્શનની ડીલર છે. આવા પ્રત્યેક ઇન્જેક્શનની કિંમત આશરે 45 હજાર રૂપિયા જેટલી થાય છે. આમ છતાં, રાજ્ય સરકાર દ્વારા જરૂર જણાય ત્યાં નિષ્ણાત તબીબોની ભલામણ અનુસાર, આ ઇન્જેક્શન મોકલી આપવામાં આવે છે.
               એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીય વિદેશ મંત્રાલયની મદદથી સીધા જ રોશ કંપનીનો સંપર્ક કરીને આ ઇન્જેક્શન વધુમાં વધુ સંખ્યામાં ગુજરાતને મોકલવામાં આવે, એ માટે સતત ચર્ચા કરવામાં આવી રહી છે. જેના પરિણામરૂપે, પાંચ હજાર ઇન્જેક્શનની ડિમાન્ડ સામે કંપની દ્વારા 2537 વાયલ મોકલવા માટે સંમતિ આપવામાં આવી છે. જે અંતર્ગત મળેલાં 400 મિલિગ્રામના 1240 વાયલમાંથી 1191 વાયલ, 200 મિલિગ્રામના 170માંથી 161 વાયલ અને 80 મિલિગ્રામના 810 વાયલમાંથી 731 વાયલ એમ કુલ મળીને અત્યાર સુધી રાજ્ય સરકારને મળેલા ટોસિલિઝુમેબનાં કુલ 2220 વાયલમાંથી 2083 વાયલનો ઉપયોગ દર્દીઓની સારવાર માટે કરવામાં આવ્યો છે.
                   નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ ઇન્જેક્શનની સપ્લાય મર્યાદિત હોવાના કારણે નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવતી રજૂઆત અનુસાર ઇન્જેક્શન મોકલવામાં આવે છે.આ જ રીતે અન્ય એક આવશ્યક ઇન્જેક્શન રેમડેસિવિરની જરૂરિયાત અને પુરવઠાની વિગતો આપતા  પટેલે જણાવ્યું કે આ પ્રકારના ઇન્જેક્શનના 8050 ઇન્જેક્શનની રાજ્ય સરકારની માગણી સામે માત્ર 250 ઇન્જેક્શન જ મળી શક્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 86 વાયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

                    આ અંગે વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ડીસીજીઆઈની મંજૂરી અનુસાર આ પ્રકારના ઇન્જેક્શન માત્ર બે જ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે, જ્યારે અન્ય એક કંપનીને તાજેતરમાં જ આ ઇન્જેક્શનના ઉત્પાદનનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.પરિણામે, રાજ્યના સિનિયર આઈએએસ અધિકારી હારિત શુક્લ તેમજ ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ મનોજ દાસ દ્વારા આ કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેના પરિપાકરૂપે કંપની દ્વારા બે દિવસમાં ઇન્જેક્શનનું ઉત્પાદન શરૂ કરી, વહેલી તકે 2000થી 2500 વાયલ રાજ્ય સરકારને સપ્લાય કરવા સંમતિ આપી છે.
                      ખાસ કરીને સુરતમાં ઇન્જેક્શનની સપ્લાય અંગે સર્જાયેલા પ્રશ્નના નિરાકરણ અંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઇન્જેક્શનની જરૂરિયાત અંગે સુરતમાં બે ખાનગી તેમજ સ્મિમર હોસ્પિટલના એક એમ ત્રણ તબીબોની કમિટી બનાવવામાં આવી છે. અત્યંત ગંભીર કિસ્સામાં આરોગ્ય અગ્રસચિવ ડૉ. શ્રીમતિ જયંતી રવિ તેમજ કલેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલી આ કમિટી દ્વારા દર્દીની તપાસ કરીને ઇન્જેક્શન આપવાની જરૂર છે કે કેમ? તે અંગે ત્વરિત નિર્ણય કરશે. આ ભલામણના આધારે રાજ્ય સરકાર દ્વારા દર્દીની સારવાર માટે તાત્કાલિક ઇન્જેક્શન મોકલી આપવામાં આવે છે.
                      આ તકે રાજ્યમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અથાક પ્રયત્નો છતાં, રાજ્ય સરકાર તેમજ આરોગ્ય વિભાગની કામગીરી સામે ઊભા કરવામાં આવી રહેલા રાજકીય આક્ષેપોને તદ્દન બેબુનિયાદ ગણાવતાં  પટેલે દૃઢતાપૂર્વક જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19 સામેની લડાઈમાં કોઈ કચાશ રાખવામાં આવી નથી. આજે સેંકડો ધન્વંન્તરિ રથ અમદાવાદ સહિત કોરોના સંક્રમણની વ્યાપકતા ધરાવતાં શહેરોમાં સામે ચાલીને આમ નાગરિકોની ચકાસણી અને સારવાર આપી રહ્યા છે. આ સિવાય રાજ્યમાં 104 તેમજ 108 હેલ્પલાઇનના માધ્યમથી પણ સતત આરોગ્યલક્ષી સેવા, સારવાર અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યાં છે.
                   જ્યાં દર્દીઓને હોમ ક્વૉરન્ટાઇન અથવા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે, ત્યાં પણ દિવસમાં ત્રણ વખત ટેલિફોનિક માધ્યમથી તેમની તબિયત તેમજ અન્ય સારવારની ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે તમામ મોટાં શહેરોમાં સિનિયર આઈએએસ કક્ષાના અધિકારીઓ ઉપરાંત ઑફિસર ઓન સ્પેશિયલ ડ્યુટીની નિયુક્તિ કરીને શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી તેમજ ઍક્વાયર્ડ કરવામાં આવેલી કેટલીક ખાનગી હોસ્પિટલો ખાતે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. સુરતમાં પણ બનીને તૈયાર કિડની હોસ્પિટલનો પણ જરૂર પડ્યે કોવિડની સારવાર માટે ઉપયોગ કરવામાં આવશે.
                    આ સિવાય પીપીઈ કિટ્સ, માસ્ક્સ, દવાઓ સહિત તમામ સારવાર રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી રહી છે તેમજ હોસ્પિટલ્સમાં પણ વર્ગ-4ના તથા અન્ય કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ સિવાય પણ જરૂર પડ્યે કરોડો રૂપિયાના ખર્ચે તમામ સુવિધા આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું  નીતિનભાઈએ ઉમેર્યું હતું.
                   શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ દર્દી ગરીબ છે કે તવંગર અથવા કયા રાજકીય પક્ષનો છે એ જોયા વિના તમામને એકસરખી અને સર્વશ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. આમ છતાં, અમુક રાજકીય વિરોધીઓ દ્વારા સોશિયલ મીડિયા પર કટાક્ષ કવિતાઓ વહેતી મૂકવામાં આવી રહી છે. જે ખરેખર કમનસીબ ગણાય. આ સાથે જ નીતિનભાઈએ કહ્યું કે, અત્યારે લોકોની મદદનો સમય છે. સરકાર સાથે રહીને રાજ્યના નાગરિકોની સેવા કરવાના બદલે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા કટાક્ષો સામે વળતો સવાલ કરતાં નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, કૉંગ્રેસના કેટલાક આગેવાનો પણ કોવિડ પોઝિટિવ આવતાં તેમને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી જ છે.
                     આ સિવાય, જ્યારે આરોગ્યકર્મીઓ અને પોલીસકર્મીઓ પણ હુમલા થતા હતા, અમુક લોકો દ્વારા માસ્ક પહેરવાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, આરોગ્ય કર્મચારીઓ પર થૂંકવામાં આવી રહ્યું હતું, ત્યારે આ કવિઓને કેમ કવિતા કરવાનું સૂઝતું નહોતું? દેશભરમાં એક માત્ર ગુજરાત સરકાર દ્વારા પરપ્રાંતીયોને તેમના વતન પહોંચવા માટે સૌથી વધુ ટ્રેનો ચલાવવામાં આવી હતી તેમજ લાખો લોકોને માસ્કનું વિતરણ તેમજ ભોજન પીરસવામાં આવ્યું હતું.
અત્યારે સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા યોગ્ય સમયે લોકડાઉનનો નિર્ણય લેવાયો, એટલા માટે જ કોવિડની સ્થિતિને કાબૂમાં રાખી શકાઈ છે.
પરિણામે, સરકારની કામગીરીનો સતત વિરોધ અને આલોચના કરતાં રાજકીય પક્ષો અને આગેવાનોને આ મહામારીના સમયમાં રાજકારણ રમવાનું બંધ કરે અને દેશ તેમજ માનવજાતની સેવામાં યોગદાન આપે એ જ વર્તમાન સમયની તાતી જરૂરિયાત અને રાજકીય પરિપક્વતા દર્શાવે છે.

(10:16 pm IST)